News of Monday, 3rd August 2026
વરસાદ-પૂરના પાણી ઓસરતાં જ અસરગ્રસ્ત મોરબી, રાજકોટથી માંડીને વાપી-વલસાડ સુધી સર્વે થશે
ભારે વરસાદના કારણે હજારો વિધા ખેતીલાયક જમીન પર રેતી, કાદવ જમા થતાં ખેડૂતોને લાંબા ગાળાનું નુકસાન : દક્ષિણ ગુજરાતમાં શેરડી કેરી, કેળ, ચીકુની વાડીઓ તબાહ, અન્ય વિસ્તારોમાં વાવેતરનો સફાયો

અમદાવાદ તા.૩: ગુજરાતમાં જુલાઈ મહિનામાં થયેલા ભારેથી અતિભારે વરસાદથી રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા નીરની આવક થવા સાથે પીવાના પાણીની સમસ્યામાં આંશિક રાહત થઈ છે. એની સાથોસાથ ૨૫થી વધારે જળાશયો પૂર્ણ ક્ષમતાએ ભરાયા છે અને ૫૦થી વધારે જળાશયો ભરાવાની તૈયારીમાં છે. બીજી તરફ અલગ અલગ ભાગોમાં થયેલા ટૂંકા ગાળામાં ભારે વરસાદે ભારે તબાહી સર્જી છે. વિશેષ કરીને ખરીફ પાક માટે વાવેતર કરનાર ખેડૂતોના પાકનો લગભગ સફાયો થયો છે. આને પગલે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તત્કાળ સર્વે કરીને ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરવાની માગ ઊઠી છે. આને પગલે રાજ્યના કૃષિ વિભાગે જે વિસ્તારોમાં પાણી ઓસરશે
રાજ્યમાં ૨૦ જુલાઇથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચથી વલસાડ સુધીના પંથકમાં સતત ત્રણ વખત અતિભારે વરસાદ ખાબકતા અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં તાપી નદીમાં પૂર તો નથી આવ્યા, પરંતુ સુરત અને નવસારી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના પાણીએ સુરતને ડુબાડી દીધું હતું. નવસારીમાં ભારે તબાહી સર્જી છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાય એના નિકાલ માટે મશીનરી કામે લગાડવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તો ખાડીના પાણીએ હજારો હેક્ટર જમીનમાં પંદર દિવસ પછી પણ પાણી ઉતર્યા નથી. નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં સૌથી વધારે ભાગાયત એટલે કે કેરી, ચીકુ, શેરડી અને કેળા જેવા પાકની વાડીઓ આવેલી છે. આ વાડીઓમાં ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા આ પાકના રોપાઓ ઉખડીને વહી ગયા છે અથવા તો નમી પડ્યા છે. આની સાથે અંબિકા, પૂર્ણા, તાપી સહિતની નદીઓના પાણી ફરી વળતા ખેતરોમાં રેતી, કાદવનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. આ ખેતરોને ફરીથી ખેતીલાયક કરવામાં ખેડૂતોને ખાસ્સો સમય લાગી શકે છે, તેમ અહીંના અગ્રણીઓનું કહેવું છે. નવસારી જિલ્લામાં ૩૨૦ ગામોના ખેતરોમાં હાલ પણ પાંચથી છ ફૂટ પાણી ભરાયેલા છે.
આ ખેડૂતોની માગણી છે કે, સર્વે કરીને સામાન્ય સહાયને બદલે ખેતરોને નવસાધ્ય કરવા માટે ખાસ સહાય જાહેર કરવામાં આવે. આ જ સ્થિતિ મધ્યગુજરાતમાં આ વખતે થઈ છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર, વિશ્વામિત્રી, ઢાઢર સહિતની નદીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળતી અન્ય નાની નદીઓમાં પણ ઘોડાપૂરના પાણી સેંકડો વિષામાં ફરી વળ્યા છે. ખેતરોમાં તમાકું, મગફળી, તલ, એરંડા જેવા પાકોનો સૌથ વળી ગયો છે.
અમદાવાદ ગ્રામ્યમાં જોઈએ તો વિરમગામ, સાણંદ, માંડલ, બેચરાજી, બાવળા, ધોળકા પંથકમાં હજુ પણ સાબરમતી, ભોગાવો સહિતની નદીઓના પાણી ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી આ વિસ્તારોના શહેરી માર્ગો પણ હાલ પાણીમાં છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગયા સપ્તાહે પડેલા પાણી ઓસર્યા નથી. ખેતરોમાં કરેલું વાવેતર હવે કોઈ હિસાબે બચી શકે એવી શક્યતા ખેડૂતો નકારી રહ્યા છે. આ જ પ્રમાણે, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની થઇ છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને કડી સહિતના વિસ્તારોમાં તત્કાળ સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માગણી કરી છે. બીજી તરફ કૃષિ વિભાગે પણ દરેક જિલ્લાઓમાં થયેલા વરસાદ અને પૂર પાણીની સ્થિતિની વિગતો એકત્રિત કરી સર્વે હાથ પરવાની કામગીરી આગામી સપ્તાહથી શરૂ કરવાનું નક્કી કર્યું છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
