News of Thursday, 24th September 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદના રાણીપ ખાતે રૂ.૧૧.૦૧ કરોડના ખર્ચે નિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, આધુનિક મ્યુઝિયમ અને ઈ-લાયબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરાયું
મ્યુરલ્સ, વર્ચ્યુઅલ સુવિધા અને લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી ડૉ. બાબાસાહેબના પંચતીર્થના દર્શન તથા જીવન-સંઘર્ષ જીવંત કરાયો : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

અશ્વિન વ્યાસ દ્વારા ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદના રાણીપ ખાતે રૂ.૧૧.૦૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, મ્યુઝિયમ અને ઈ-લાયબ્રેરીનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ રાણીપ સ્થિત ફાઉન્ડેશન ખાતે પધારીને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકાર્પણ સમારંભમાં ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને વારસાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. માત્ર એક જ અઠવાડિયામાં ૧૫૦ કિલોમીટરના અંતરમાં વડોદરા સ્થિત સંકલ્પ ભૂમિ અને રાણીપ ખાતે આધુનિક મ્યુઝિયમ જેવા શ્રેષ્ઠ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને સરકારે સામાજિક સમરસતા અને સમાનતા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી છે. તેમણે ઉમેર્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવી તેમજ સંત શિરોમણી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે સમાજ ઉત્થાન, ભવનો, શૈક્ષણિક સંકુલો અને સંસ્કૃતિ સંવર્ધન માટે રૂ. ૨૩૧ કરોડની રકમ મંજૂર કરવી એ સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. તેમણે સૌને એકજૂથ થઈ સમાજના છેવાડાના યુવાનોને મુખ્ય ધારામાં લાવવા આહ્વાન કર્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યુ હતું કે, આ લોકાર્પણ માત્ર એક ઇમારતનું ઉદ્ઘાટન નથી પરંતુ સમતા, સ્વતંત્રતા, બંધુતા અને સામાજિક ન્યાયના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત કરવાનો પવિત્ર અવસર છે. ૨૩મી સપ્ટેમ્બરના ઐતિહાસિક સંકલ્પ દિવસે જ આ સુવિધા રાષ્ટ્રને સમર્પિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વંચિતોના ઉત્થાન માટે સતત કાર્યરત છે.
શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આ આધુનિક લાયબ્રેરી અને ઓડિટોરિયમ સંકુલ યુવાનોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણને કારણે જ મહિલાઓને સમાન હક અને પ્રતિનિધિત્વ મળ્યું છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આ સંગ્રહાલયનું ભૂમિપૂજન કર્યું હતું અને તેમણે બંધારણને સાર્થક કરી બતાવ્યું છે.
અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે ડૉ. બાબાસાહેબના 'શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો'ના સૂત્રને ચરિતાર્થ કરવા પર ભાર મૂક્યો હતો. સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે આ સંકુલને નવી પેઢી માટે પ્રેરણાદાયી કેન્દ્ર ગણાવ્યું હતું. પૂર્વ સાંસદ કિરીટ સોલંકીએ ૧૯૧૭માં ૨૩મી સપ્ટેમ્બરે વડોદરામાં લેવાયેલા સંકલ્પના દિન નિમિત્તે જ આ લોકાર્પણ કરવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન અંગે ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી. સફાઈ કામદાર નિગમની પ્રોત્સાહક સહાય યોજના અંતર્ગત શ્રેષ્ઠ ક્રમાંક લાવનાર બાળકોને સહાય વિતરણ કરાઈ હતી તથા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક પામનાર દિવ્યાંગ વિદ્યાર્થી વિજય કાનજીભાઈ પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદ્મ શ્રી હેમંત ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ સહિત પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રૂ.૧૧.૦૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ મ્યુઝિયમમાં બાબાસાહેબના જીવન-સંઘર્ષ, મ્યુરલ્સ, વર્ચ્યુઅલ અનુભવ, પ્રદર્શનીઓ, લાઇટ એન્ડ સાઉન્ડ તેમજ ૩D ટેકનોલોજી થકી પંચતીર્થના પ્રસંગો અને સામાજિક ન્યાયનો સંદેશ રજૂ કરવામાં આવ્યો છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
