<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અંબાજી મંદિરમાં દાનચોરી બાદ તંત્ર હરકતમાં :કલેકટર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અને નવી SOP જાહેર કરાઈ

ભંડારાની ગણતરી 20થી વધુ CCTV કેમેરાની સતત દેખરેખ:કેમેરાનું રેકોર્ડિંગ છ મહિના સુરક્ષિત રખાશે :કર્મચારીઓનું મેટલ ડીકેકટરથી સઘન ચેકીંગ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભંડારાના દાનની રકમની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. બે માસ અગાઉ મંદિરના ભંડારાની ગણતરી દરમિયાન કર્મચારીઓ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી, જે બાદ કલેકટર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અને નવી SOP જાહેર કરવામાં આવી છે. મંદિરની પવિત્રતા જાળવવા અને ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ટ્રસ્ટે આકરા નિર્ણયો લીધા છે.

અંબાજી મંદિરના ભંડારાની ગણતરી દરમિયાન ચાલુ પ્રક્રિયાએ જ ચીરાગ ઠાકોર નામના કર્મચારીએ પૈસાના બંડલની ચોરી કરી હતી. આ ઘટનામાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રસ્ટે આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરી દીધા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કલેક્ટરે સુરક્ષાના નવા નિયમો ઘડ્યા છે.

 

હવે અંબાજી મંદિરના ભંડારાની ગણતરી 20થી વધુ CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ કેમેરાનું રેકોર્ડિંગ આગામી 6 મહિના સુધી સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણતરીમાં સામેલ થતા કર્મચારીઓનું અંદર જતા અને બહાર નીકળતી વખતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ કરવામાં આવશે. સૌથી મહત્વનો નિર્ણય એ છે કે, હવે ભંડારાની ગણતરીનું ચાચર ચોકમાં એલઇડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેથી ભક્તો પણ આ પ્રક્રિયા જોઈ શકે અને સંપૂર્ણ પારદર્શિતા જળવાય. વહીવટીતંત્રની આ કામગીરીને લઈને ભક્તોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે.

(8:48 PM IST)