<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

કરજણ ડેમની જમણા કાંઠાની કેનાલનો રસ્તો ધોવાયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું : યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

કરજણ ડેમની જમણા કાંઠાની કેનાલ પાસેનો રસ્તો ચોમાસામાં ધોવાઈ ગયા બાદ સર્જાયેલી સમસ્યાએ આખરે તંત્રને જગાડ્યું

(ભરત શાહ દ્વારા) નર્મદા:નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કરજણ ડેમની જમણા કાંઠાની કેનાલ પાસેનો રસ્તો ચોમાસામાં ધોવાઈ ગયા બાદ સર્જાયેલી સમસ્યાએ આખરે તંત્રને જગાડ્યું છે. અમારા અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને હાલ કેનાલ વિસ્તારમાં યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસેલા ભારે વરસાદને કારણે કરજણ ડેમ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. તેના કારણે જમણા કાંઠાની કેનાલની બાજુમાંથી પસાર થતો કાચો રસ્તો અનેક જગ્યાએથી ધોવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ માટી બેસી ગઈ હતી, તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયા હતા. આ રસ્તો ધોવાઈ જતાં ખેડૂતો માટે અવરજવર લગભગ બંધ જેવી થઈ ગઈ હતી. ટ્રેક્ટર, ટ્રોલી કે બળદગાડા તો ઠીક, પગપાળા જવું પણ જોખમી બની ગયું હતું.
ખેડૂતો માટે આ રસ્તો માત્ર અવરજવરનું સાધન નથી, પરંતુ તેમની રોજિંદી ખેતીની કામગીરી સાથે જોડાયેલો મહત્વનો માર્ગ છે. ખેતરમાં જવા માટે, ખેતીના સાધનો લઈ જવા માટે, ખાતર-બિયારણ પહોંચાડવા માટે અને પાકની દેખરેખ રાખવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે.
ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સમારકામ થયું હોત તો આટલી મોટી મુશ્કેલી ઊભી થાત નહીં. રવી સીઝન નજીક આવી રહી છે ત્યારે રસ્તો બંધ હોવાથી ખેતીનું કામ મોડું થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલની અસર : તંત્ર દોડતું થયું
ખેડૂતોની વેદના અને રસ્તાની ખરાબ હાલત અંગે અમારા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું અને સમારકામ માટેની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં સ્થળ પર જેસીબી, ટ્રેક્ટર અને મજૂરોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોવાયે ભાગમાં માટી પૂરાણ, પથ્થર ભરવાનું કામ અને રસ્તાને સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે.
ખેડૂતોમાં આશા, સાથે સાવચેતી
કામગીરી શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. જોકે, ખેડૂતોની માંગ છે કે આ વખતે કામ ગુણવત્તાવાળું થવું જોઈએ, જેથી આવતા ચોમાસામાં ફરી આ જ સમસ્યા ન સર્જાય. કેનાલની બાજુમાં પાકું પાળા કે પથ્થરની દિવાલ બનાવવામાં આવે તો કાયમી ઉકેલ આવે તેમ પણ ખેડૂતો જણાવી રહ્યા છે

(11:16 PM IST)