News of Thursday, 17th September 2026
જીએસટી કેસોના વિવાદોના નિકાલ માટે જીએસટીમાં બેન્ચનું પુનઃગઠન કરાયું
ગુજરાતના કરદાતાઓ માટે GSTનું મહત્ત્વનું અપડેટ

અમદાવાદ : તા.૧૭: જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલની સત્તાવાર વેબસાઈટ પર તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બેન્ચના પુનર્ગઠન અને કેસોની કેટેગરીના સુધારેલા વર્ગીકરણ અંગે મહત્વનું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જીએસટી અપીલેટ ટ્રિબ્યુનલ એ કેન્દ્ર અને રાજ્ય જીએસટી કાયદા હેઠળની અપીલ માટેનું બીજું અપીલ સત્તામંડળ છે. કરદાતા અથવા જીએસટી વિભાગ દ્વારા સંબંધિત અપીલેટ કે પુનર્વિચાર સત્તાધિકારીના આદેશ સામે કાયદા મુજબ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકાય છે. નવી વ્યવસ્થામાં બેન્ચો માટે કેસોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
શ્રેણી-૧માં માલ કે સેવાના વર્ગીકરણ, નોટિફિકેશનની જોગવાઈ, પુરવઠાનો સમય અને મૂલ્ય, ખરીદી પર ચૂકવેલા કરની પરત મેળવવાની માન્યતા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ), કરની જવાબદારી, વસૂલાત, આકારણી, રિફંડ, જપ્તી અને જપ્ત માલ સહિતના વિવાદોનો સમાવેશ થાય છે. જ્યારે શ્રેણી-૨માં જીએસટી નોંધણી, નોંધણીમાં સુધારો, નોંધણી રદ કે સ્થગિત કરવી, રદ કરાયેલી નોંધણી પુનઃસ્થાપિત કરવી, કમ્પોઝિશન સ્કીમ, મિલકતની કામચલાઉ જપ્તી, દંડ અને ગુના સમાધાન જેવા કેસો ચાલશે. બેંગલુરુ બેન્ચ માટે અલગ ત્રણ શ્રેણીની વ્યવસ્થા રાખવામાં આવી છે, જયારે તે સિવાય તમામ બેન્ચોમાં આ માળખું લાગુથશે. પેન્ડિંગ કેસો નવી શ્રેણી મુજબ ફરી સોંપાશે. કેસની શ્રેણી માત્ર અપીલકર્તાની વિગતોથી નહીં, પરંતુ રજિસ્ટ્રી શાખા દ્વારા કાયદાકીય પશ્નોનું સ્વતંત્ર પરીક્ષણ કરીને નક્કી થશે. જેથી ગુજરાતના કરદાતાઓ, વેપારીઓ અને કર સલાહકારોમાટે કેસ કઈ બેન્ચ સમક્ષ જશે તે તપાસવું જરૂરી બનશે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
