<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ખેડૂત અને પશુપાલક હિતના બે મહત્વપૂર્ણ વિધેયકોનું ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાતે સ્વાગત કરી રાજ્ય સરકારનો આભાર માન્યો : જમીનના કાયદેસર હકની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે : હિરેન હિરપરા

પશુઆહાર અંગેનું વિધેયક પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ : ખેડૂતના હક, સમય અને આજીવિકાને કેન્દ્રમાં રાખતા બંને નિર્ણયો આવકારદાયક : હિરેન હિરપરાનુ નિવેદન

ગાંધીનગર તા.૧૧ : ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાતની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચારા અને ખનિજ મિશ્રણ વિધેયક-૨૦૨૬’ તથા ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક-૨૦૨૬’ને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાતે આવકાર્યા છે.

 

પશુઆહાર સંબંધિત વિધેયક દ્વારા પશુઆહારની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, પશુઓના આરોગ્યનું રક્ષણ કરવા અને પશુપાલકોને ગુણવત્તાયુક્ત પશુઆહાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી નિયમન કરવામાં આવ્યું છે.

 

ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયકમાં સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ હોય, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય તો તે જ દિવસે ફેરફાર નોંધ પાડીને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલના આદેશના આધારે થતી નોંધ પણ હુકમ પ્રાપ્ત થતાં તાત્કાલિક નોંધવા અને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીજીના ખેડૂતકેન્દ્રિત વિકાસના વિઝન, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂત અને પશુપાલકોના હિતમાં સતત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ બંને મહત્વપૂર્ણ વિધેયકો માટે મંત્રી જિતુભાઈ વાઘાણી તથા મંત્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયાસોને પણ કિસાન મોરચાએ બિરદાવ્યા છે.

 હિરેન હિરપરાએ કહ્યું કે, પશુપાલક માટે પશુધન તેની આજીવિકાનો મહત્વપૂર્ણ આધાર છે. પશુઓને ગુણવત્તાયુક્ત આહાર મળે, તેમનું આરોગ્ય સુરક્ષિત રહે અને પશુપાલકોના હિતનું રક્ષણ થાય તે દિશામાં આ વિધેયક મહત્વપૂર્ણ પગલું છે.

 હિરેન હિરપરાએ કહ્યું કે, જમીન ખેડૂત માટે માત્ર સંપત્તિ નથી, પરંતુ તેના જીવન અને ભવિષ્યનો આધાર છે. સાચા અને વિવાદરહિત જમીન વ્યવહારમાં નોંધ પ્રમાણિત કરવાની પ્રક્રિયા ઝડપી બનવાથી ખેડૂતો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓનો સમય બચશે અને લાંબી વહીવટી પ્રક્રિયામાંથી રાહત મળશે.

 હિરેન હિરપરાએ કહ્યું કે, સરકારના આ બંને નિર્ણયો ખેડૂત અને પશુપાલકોના હિતને વધુ મજબૂત બનાવશે. પ્રક્રિયામાં ઝડપ અને સરળતા આવે તથા લાભાર્થીને સમયસર તેનો હક મળે તે દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો છે.

અંતમાં  હિરેન હિરપરાએ કહ્યું કે, ખેડૂત અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ નિર્ણયો બદલ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને બંને વિધેયકોને આવકારે છે.તેમ ગુજરાત ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ

કશ્યપ કોટેચાએ જણાવ્યું છે.

(4:38 PM IST)