News of Wednesday, 15th April 2026
ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર ઘમાસાણ: સ્થાનિકો અને ચાલકોએ બસો આડી મૂકી હાઈવે જામ કર્યો : 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી
સ્થાનિક વાહનો પાસેથી ફાસ્ટેગ દ્વારા ટોલ કપાતા ભડકેલા બસ ચાલકોએ ચક્કાજામ કર્યો, ટોલ કંપનીએ નમતી જોખી બેઠક બોલાવવાની ખાતરી આપી, પોલીસે વચ્ચે પડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો

ભરૂચ તા.૧૫:ભરૂચ નજીક આવેલા મુલદ ટોલ પ્લાઝા પર બુધવારે સ્થાનિક બસ ચાલકો અને રહીશોએ ભારે ઘમાસાણ મચાવ્યું હતું. સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતના વિરોધમાં ચાલકોએ પોતાની બસો હાઈવે પર આડી મૂકી દેતાં નેશનલ હાઈવે પર 3 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કલાકો સુધી હજારો વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.
નર્મદા નદી પર કેબલ બ્રિજ બન્યા બાદ 2017માં ટોલ વસૂલાત શરૂ થઈ હતી. શરૂઆતના 8 મહિના બાદ સ્થાનિક રહીશોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ફાસ્ટેગની વ્યવસ્થા લાગુ થયા બાદ સ્થાનિક વાહનોના ફાસ્ટેગમાંથી પણ આપમેળે ટોલ કપાવા લાગ્યો હતો, જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. તંત્ર દ્વારા સ્થાનિક વાહનો માટે અલગ લેન બનાવવામાં આવી હતી અને તેને ટોલ મુક્ત રાખવામાં આવી હતી.
જોકે તાજેતરમાં ટોલ સત્તાવાળાઓએ આ ખાસ લેન પર પણ ફાસ્ટેગ સ્કેનર લગાવી દેતાં સ્થાનિક વાહનોના ખાતામાંથી ટોલ કપાવા લાગ્યો હતો. નજીકના ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો અને સ્ટાફને લાવવા-લઈ જવા માટે બસો ચલાવતા ટ્રાન્સપોર્ટરોએ અનેક વખત રજૂઆતો કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં આખરે તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
બુધવારે સવારે ઉશ્કેરાયેલા બસ ચાલકોએ ટોલ પ્લાઝાની બાજુમાં રસ્તા પર જ બસો પાર્ક કરી દીધી હતી, જેથી હાઈવે સંપૂર્ણપણે જામ થઈ ગયો હતો. સુરત, વડોદરા અને અંકલેશ્વર તરફ જતા-આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં ભરૂચ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે રસ્તો ખુલ્લો કરાવી ટોલ સત્તાવાળાઓ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન માટે બેઠક યોજી હતી.
ટોલ સત્તાવાળાઓએ સ્થાનિકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક બેઠક બોલાવવાની ખાતરી આપ્યા બાદ આંદોલન સમેટાયું હતું. પોલીસે ટ્રાફિકને ધીમે-ધીમે હળવો કરાવ્યો હતો. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
