<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

અમદાવાદ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી ભાવેશ પટેલને સાયબર ક્રાઇમ બ્રાંચે હાંસોલથી ઝડપી પાડ્યો

પોલીસ કમિશ્નર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર એમ.એચ.ભેટારીયાની ટીમે ઈમેઈલ આઇડીના ટેકનિકલ એનાલિસીસ દ્વારા ધમકીભર્યો ઇ-મેઇલ મોકલનાર કન્સ્ટ્રકશનના વેપારીની ધરપકડ કરી

 રાજકોટ:  અમદાવાદ શહેરના એરપોર્ટ પર આવેલા Gujcel કાર્યાલય તેમજ શહેરની તમામ શાળાઓને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપનાર શખ્સને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ ઇ-મેઇલ દ્વારા દેશના ઉચ્ચ નેતાઓ અને શાળાઓને નિશાન બનાવવાની ધમકી આપી ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

 શું હતો સમગ્ર મામલો?

ગત તા.૨૫/૦૩/૨૦૨૬ ના રોજ અમદાવાદ એરપોર્ટ સ્થિત Gujcel ના ડાયરેક્ટરના અધિકૃત ઇ-મેઇલ આઇડી પર એક ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ ઇ-મેઇલ [email protected] પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, *"Gujcel blast eid ka tofa modi and shah I will kill you Bomb blast in all schools mera bhai saurab biswas ko rihae karo wait and watch all boom blast"*. આ સંદેશમાં દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનો ઉલ્લેખ કરીને શાળાઓમાં વિસ્ફોટ કરવાની અને સૌરભ બિસ્વાસ નામના વ્યક્તિને મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી.

 પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર (ક્રાઇમ બ્રાંચ) અને નાયબ પોલીસ કમિશ્નર (સાયબર ક્રાઇમ) ના સીધા સુપરવિઝન હેઠળ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. મદદનીશ પોલીસ કમિશ્નરના સંચાલન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.ભેટારીયા અને તેમની ટીમે તપાસનો દોર હાથ ધર્યો હતો.

સાયબર ક્રાઇમની ટીમે ધમકી આપવા માટે વપરાયેલા ઇ-મેઇલ આઇડીની ટેકનિકલ વિગતો મેળવી તેનું એનાલિસીસ કર્યું હતું. હ્યુમન ઇન્ટેલીજન્સ અને લોકેશન ટ્રેકિંગની મદદથી પોલીસને જાણવા મળ્યું હતું કે આ ઇ-મેઇલ મોકલનાર વ્યક્તિ અમદાવાદના હાંસોલ વિસ્તારમાં કાર્યરત છે.

 આરોપીની ધરપકડ અને પૃષ્ઠભૂમિ

ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાંસોલ વિસ્તારમાં આવેલા ન્યુ પુષ્પક સોસાયટીના મકાન નંબર ૧૦ માં દરોડો પાડીને ૪૦ વર્ષીય ભાવેશ અમ્રુતભાઇ પટેલની ધરપકડ કરી છે. આરોપી ભાવેશ પટેલ બી.કોમ સુધીનો અભ્યાસ ધરાવે છે અને તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોલીસને આરોપીના મોબાઈલ ફોનમાંથી ગુનામાં વપરાયેલ ઇ-મેઇલ આઇડી અને મોકલવામાં આવેલ ધમકીભર્યા મેઇલના પુરાવાઓ પણ મળી આવ્યા છે.

 વધુ તપાસ ચાલુ

હાલમાં સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીએ આ ગુનો શા માટે કર્યો, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તેમજ તે કોઈ આતંકવાદી સંગઠન કે દેશવિરોધી પ્રવૃત્તિ કરતી ગેંગ સાથે જોડાયેલો છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

(3:54 PM IST)