<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સુરતમાં ભેસ્તાન પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો:MBBSના વિદ્યાર્થી સહિત ચાર આરોપીઓની ધરપકડ

ગરીબોના નામે બેંક ખાતાં ખોલાવી સાયબર ઠગાઈની રકમ હરિયાણાના મેવાત સુધી પહોંચાડવામાં આવતી હોવાનો ખુલાસો

સુરતની ભેસ્તાન પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઉન રાજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સમીર જેકમ નૂર મોહમ્મદખાન નામનો MBBSના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી પણ સામેલ છે.

પોલીસે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ચેકબુક, પાસબુક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ₹4.47 લાખ રોકડા તથા 15 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગરીબ લોકોના નામે બેંક ખાતાં ખોલાવી તેમની કિટ હરિયાણાના મેવાતમાં મોકલવામાં આવતી હતી. સાયબર ફ્રોડની રકમ આ ખાતાંમાં જમા થયા બાદ ATM મારફતે ઉપાડીને ગેંગને ટ્રાન્સફર કરવામાં આવતી હતી. બદલામાં આરોપીઓને કમિશન મળતું હતું.

આ કેસમાં અઝરુદ્દીન, ફારૂક, ફજા અને જેકમ નૂર મોહમ્મદખાન સહિતના આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. એક વોન્ટેડ આરોપી સુરતમાં પ્લાસ્ટિક દાણાની ફેક્ટરીનો માલિક હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ હવે જપ્ત કરાયેલા મોબાઈલ અને દસ્તાવેજોના આધારે ગેંગના અન્ય કનેક્શનની તપાસ કરી રહી છે.

 

(12:38 AM IST)