<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

અમદાવાદમાં નશાનો મોટો ખેલ: દાસ્તાન સર્કલ નજીકથી દારૂ ભરેલું કરોડોનું કન્ટેનર ઝડપાયું, પ્લાસ્ટિકની આડમાં થતી હતી હેરાફેરી

ઓપરેશન 'વડોદરા ડિલિવરી': ટ્રક ડ્રાઈવરના પ્લાસ્ટિકના દાવાને પોલીસે પળવારમાં ખોટો પાડ્યો, રૂ. 1.34 કરોડનો જંગી મુદ્દામાલ કબજે

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પસાર થતું એક કન્ટેનર પોલીસ માટે શંકાનું કારણ બન્યું અને તપાસના અંતે કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉદયપુરથી દારૂ ભરીને નીકળેલું આ કન્ટેનર વડોદરા તરફ જઈ રહ્યું હતું, પરંતુ નિકોલના દાસ્તાન સર્કલ પાસે બાતમીના આધારે પોલીસે ફિલ્ડિંગ ગોઠવીને તેને આબાદ રીતે ઝડપી લીધું હતું. આ સફળ ઓપરેશને ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણની વાસ્તવિકતા અને બુટલેગરોની અવનવી તરકીબોને ફરી એકવાર ઉજાગર કરી છે.
પ્લાસ્ટિકના અગાર નીચે છુપાયેલું 'ઝેર'
પોલીસ જ્યારે ટ્રક પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે ખૂબ જ ચતુરાઈથી એવું કહ્યું કે આમાં માત્ર રિસાયકલિંગ પ્લાસ્ટિક વેપર્સ છે. પરંતુ પોલીસની શંકા વધુ ઘેરી બની અને જ્યારે તેમણે ટ્રકનું સીલ તોડ્યું ત્યારે સત્ય બહાર આવ્યું. તાડપતરી નીચે છુપાવેલા ખાખી પૂંઠાના બોક્સ ખોલતા તેમાંથી વિદેશી દારૂની હજારો બોટલોનો ખજાનો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી અંદાજે રૂ. 1.19 કરોડની કિંમતની 22,668 દારૂની બોટલો જપ્ત કરી છે, સાથે જ કુલ રૂ. 1.34 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં કોણ હતું 'માસ્ટર માઈન્ડ'?
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ દારૂનો જથ્થો ઉદયપુરમાં રહેતા રવિ નામના વ્યક્તિએ ભર્યો હતો અને આ કામ માટે ડ્રાઈવરને 50 હજાર રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું. આ દારૂનો જથ્થો વડોદરા પહોંચાડવાનો હતો, જ્યાં કોઈ અજાણ્યો વ્યક્તિ ટ્રક લઈને દારૂ ખાલી કરી પરત મૂકી જવાનો હતો. પોલીસ હવે વડોદરાના તે મુખ્ય સૂત્રધારની શોધખોળ કરી રહી છે, જે આ કરોડોના નશાના વ્યવસાય સાથે જોડાયેલો છે.
પોલીસની સક્રિયતા અને સતર્કતા
બુટલેગરો પોલીસથી બચવા માટે સતત અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે, પરંતુ અમદાવાદ પોલીસની સતર્કતાએ આ કરોડોનો જથ્થો રાજ્યમાં ઠલવાતા અટકાવી દીધો છે. હવે પોલીસ આ નેટવર્કમાં સામેલ અન્ય કયા મોટા માથાઓ છે, તેની ઉંડી તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના રક્ષકો સામે ગુનેગારોની કોઈ પણ તરકીબ લાંબો સમય ટકી શકતી નથી.

(7:14 PM IST)