News of Thursday, 30th April 2026
સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ
૬ સેમ્પલ ફેઈલ, આરોગ્ય માટે ખતરોઃકોસાડ વિસ્તારમાં આવેલા ન્યુ આદિનાથ ડેરીના ગોડાઉનમાંથી લેવામાં આવેલા ચાર ઘીના સેમ્પલ એકસાથે ફેલ થયા હતા

સુરત : સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ચલાવવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન ઘી અને આઈસ્ક્રીમના કુલ ૬ સેમ્પલ ફેલ જાહેર થતા ભેળસેળિયાઓ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ, ચકાસાયેલા સેમ્પલોમાં કેટલાકને "અનસેફ" અને કેટલાકને "સબસ્ટાન્ડર્ડ" જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આઈસ્ક્રીમ અને જીલાટોમાં મિલ્ક ફેટનું પ્રમાણ નક્કી કરેલા ધોરણ કરતાં ઓછું મળ્યું, જે ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, કોસાડ વિસ્તારમાં આવેલા ન્યુ આદિનાથ ડેરીના ગોડાઉનમાંથી લેવામાં આવેલા ચાર ઘીના સેમ્પલ એકસાથે ફેલ થયા હતા. તેમાંના ત્રણ સેમ્પલમાં ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ નોંધાયું, જે હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર બની શકે છે. ઉપરાંત, એક સેમ્પલમાં બીટા-સિટોસ્ટેરોલ મળતા ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ થતી હોવાની પુષ્ટિ થઈ છે.
આઈસ્ક્રીમ સેગમેન્ટમાં પણ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ કૃપા આઈસ્ક્રીમ પાર્લરનો વેનિલા આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. ઉધના-મગદલ્લા રોડ પર આવેલી ફ્રેંકો જીલાટોની મલાઈ પિસ્તા આઈસ્ક્રીમ પણ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે.
શિવ કૈલાસ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલક વિકી સૈનીએ જણાવ્યું કે, "વેનિલા આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ આવ્યા છે. અમે જ્યાંથી આઈસ્ક્રીમ ખરીદીએ છીએ ત્યાં જાણ કરવામાં આવી છે અને આવી ભૂલ ફરી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે."
આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવી ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી શરૃ કરી છે. શહેરભરમાં ઘી અને આઈસ્ક્રીમ વેચતા એકમો પર સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે સાવચેત રહે અને ગુણવત્તા અંગે શંકા હોય તો તાત્કાલિક જાણ કરે. ખાસ કરીને ટ્રાન્સફેટનું વધતું પ્રમાણ આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે, જેના કારણે હૃદયરોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ફૂડ સેફ્ટી એક્ટ ૨૦૦૬ હેઠળ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્રએ ખાતરી આપી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
