<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ગુજરાતના સાણંદથી ભારત માટે મોટા સમાચાર! સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિપ્લવ લાવવા માઈક્રોન અને કેન્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી

મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનને મળશે નવી ઉંચાઈ, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન સાથે મળીને ભારતમાં મજબૂત સપ્લાયર ઈકોસિસ્ટમ ઊભી કરાશે

સાણંદ : ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવા તરફ જવાહર સમાન એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક દિગ્ગજ કંપની માઈક્રોન ટેકનોલોજી (Micron Technology) અને કેન્સ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડ (Kaynes Semicon) વચ્ચે આજે સાણંદ ખાતે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને દિગ્ગજ કંપનીઓએ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરીને દેશમાં મજબૂત સેમિકન્ડક્ટર સપ્લાયર ઈકોસિસ્ટમ વિકસાવવા માટે હાથ મિલાવ્યા છે.
આ ઐતિહાસિક સહયોગ અંતર્ગત માઈક્રોન અને કેન્સ બંને કંપનીઓ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM), વિવિધ સરકારી એજન્સીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સપ્લાયર્સ સાથે મળીને કામ કરશે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતની સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનને વધુ શક્તિશાળી બનાવવાનો અને ઉદ્યોગ લક્ષી આંતરદૃષ્ટિનું આદાન-પ્રદાન કરીને એક હકારાત્મક વાતાવરણ ઊભં  કરવાનો છે.
આ ભાગીદારીથી દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવા વિદેશી અને સ્થાનિક રોકાણોને મોટું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે સામનો કરવા પડતા નિયમનકારી (regulatory), ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી સંબંધિત પડકારો તેમજ મુદ્દાઓના ઝડપી નિરાકરણમાં આ ગઠબંધન અત્યંત મદદરૂપ સાબિત થશે.
સાણંદમાં આકાર લઈ રહેલી આ પાર્ટનરશિપ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ટેકનોલોજીની દુનિયામાં એક નવો અધ્યાય લખશે. આ પગલાથી ભારતમાં એક સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન ઊભી થશે, જે ભવિષ્યમાં હજારો નવી રોજગારીની તકોનું સર્જન પણ કરશે.

(7:23 PM IST)