News of Friday, 6th November 2026
જેલ વ્યવસ્થા મજબૂત બનાવવા મોટુ પગલું: ૪૭૮ પુરૂષ, ૬૦ મહિલાઓ તાલીમ સાથે મેદાને
જેલ મેન્યુઅલ, તમામ કાયદા, બંધારણ અને ઇમરજન્સી સમયે લેવાના પગલાંઓથી તાલીમબધ્ધ કરાયા : DGP ડો. કે. એલ. એન. રાવે કહ્યું કે, દીક્ષાન્ત સમારોહ કોઈ સામાન્ય પ્રસંગ નથી, આ ખુબ મોટી જવાબદારી છે

રાજકોટ, તા.૬: ગુજરાતની જેલ વ્યવસ્થાને વધુ મજબૂત, આધુનિક અને માનવીય બનાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. ગુજરાત પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની તાલીમ સંસ્થા GIPCA, અમદાવાદ ખાતે નવનિયુક્ત ૫૩૮ જેલ સિપાઈઓએ નવ મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમાં ૪૭૮ પુરુષ અને ૬૦ મહિલા તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.
૨૦મી બેચના આ જેલ સિપાઈઓએ દીક્ષાંત પરેડ અને સમારોહમાં શપથ લીધા હતા. આ પ્રસંગે જેલ અને સુધારાત્મક વહીવટના મહાનિર્દેશક (DGP) ડો. કે.એલ.એન. રાવ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓ તથા તેમના પરિવારજનોને સંબોધન કર્યું હતું.
તાલીમાર્થીઓને અભિનંદન આપતા ડીજીપી ડો. રાવે કહ્યું હતું કે, ગણવેશધારી કર્મચારીઓની તાલીમમાં દીક્ષાંત સમારોહ સૌથી મહત્વનો પ્રસંગ છે.
નવ મહિનાની તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને જેલ મેન્યુઅલ, પ્રિઝન્સ એક્ટ, પ્રિઝનર્સ એક્ટ અને પેરોલ-ફર્લોના નિયમો શીખવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતીય બંધારણ, માનવ અધિકાર, માહિતી અધિકાર અધિનિયમ, ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યરીતિ સંહિતા સાથે ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) નું પણ ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ તાલીમનું મુખ્ય કેન્દ્ર આધુનિક જેલ સુરક્ષા, નવા ફોજદારી કાયદા અને કેદીઓના પુનર્વસન પર રહ્યું હતું. હવે આ ૫૩૮ જેલ સિપાઈઓ રાજ્યની વિવિધ જેલોમાં ફરજ બજાવી, સુરક્ષા અને સુધારાત્મક વહીવટને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ્ ડો. ઇન્દુબેન રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન જેલ સુપ્રિ.ગૌરવ અગ્રવાલ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
