<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

દાહોદ પોલીસને મોટી સફળતા : બે શંકાસ્પદ કારમાંથી મોટાપાયે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો : બે આરોપીઓની ધરપકડ : 5 લાખથી વધુનો મુદામાલ જપ્ત

બૂટલેગરોએ આ બંને ઇકો કારમાં ખાસ પ્રકારના કારના બોનેટ, એન્જિનની આસપાસ અને દરવાજા જેવા અંદરના ભાગોમાં ખાસ ગુપ્ત ખાના (કેવિટી) બનાવ્યા હતા

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બોરગોટા ગામ નજીક રણધીકપુર પોલીસે બાતમીના આધારે વહેલી સવારે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે શંકાસ્પદ ઇકો કારને ઝડપી પાડીને અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન બૂટલેગરોની અનોખી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બૂટલેગરોએ પોલીસની કડક નજરથી બચવા માટે આ બંને ઇકો કારમાં ખાસ પ્રકારના ગેરકાયદેસર ફેરફારો કરાવ્યા હતા. કારના બોનેટ, એન્જિનની આસપાસ અને દરવાજા જેવા અંદરના ભાગોમાં ખાસ ગુપ્ત ખાના (કેવિટી) બનાવવામાં આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓની અંદર પ્લાસ્ટિકના પાઉચમાં ભરેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવ્યો હતો, જેથી પ્રાથમિક તપાસમાં કાર સામાન્ય લાગે.

પોલીસે સઘન તપાસ કરીને આ ગુપ્ત ખાનાઓમાંથી કુલ ૧,૨૬૯ નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો તેમજ પાઉચ કબ્જે કર્યા છે. આ રેડ દરમિયાન પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા વરમખેડા ગામના બે ઇસમોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલ વિદેશી દારૂ, બે ઇકો કાર અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. ૫ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને પોલીસે આ ગેરકાયદેસર દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને દાહોદ કે આસપાસના કયા શખ્સોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસની આ સરાહનીય કામગીરીથી દારૂના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

(5:18 PM IST)