News of Sunday, 3rd May 2026
દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં મોટો વળાંક: મંત્રી અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત તમામ 26 આરોપીઓ કોર્ટમાંથી સન્માનભેર નિર્દોષ જાહેર
વર્ષ 2016ના ચકચારી સેટેલાઈટ દારૂ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ અને મેડિકલ પુરાવા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો: બ્લડ સેમ્પલ લેવામાં થયેલો વિલંબ અને કાર્યવાહીમાં વિરોધાભાસી વર્ઝન બન્યા આરોપીઓ માટે તારણહાર

અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વર્ષ 2016માં અસાવરી ટાવર ખાતે યોજાયેલી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણવાના હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સી.વી. ભટ્ટે આ કેસમાં વર્તમાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત કુલ 26 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે માત્ર બ્લડ રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાને આધારે કોઈને ગુનેગાર માની શકાય નહીં, ખાસ કરીને જ્યારે પોલીસની દરોડાની કાર્યવાહી અને હોસ્પિટલની પ્રક્રિયામાં અનેક વિસંગતતાઓ જોવા મળી હોય.
અદાલતે પોલીસ તપાસની નબળી કડીઓ પર આકરા પ્રહાર કરતા નોંધ્યું કે, પ્રોહિબિશનના કેસમાં આરોપીઓના લોહીના નમૂના લેવામાં જે વિલંબ થયો છે તે પુરાવાઓની વિશ્વસનીયતા પર શંકા જન્માવે છે. સોલા સિવિલ હોસ્પિટલથી એફએસએલ કચેરી સુધી સેમ્પલ મોકલવામાં થયેલા બે દિવસના વિલંબ અંગે ફરિયાદ પક્ષ કોઈ જ ખુલાસો કરી શક્યો નથી. વધુમાં, પોલીસને મળેલી બાતમી અને સ્થળ પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે રેકોર્ડ પર બે અલગ-અલગ અને વિરોધાભાસી હકીકતો સામે આવી હતી. આ સંજોગોમાં આરોપીઓ વિરુદ્ધ નિશંકપણે ગુનો પુરવાર કરવામાં સરકારી પક્ષ નિષ્ફળ રહ્યો હોવાનું કોર્ટે સ્વીકાર્યું હતું.
આ હાઈપ્રોફાઈલ કેસમાં પાર્થ મોઢવાડિયા ઉપરાંત વરૂણ જૈન, સ્મિત પંચાલ અને લખન ઓડેદરા સહિતના યુવાનોને શંકાનો લાભ આપી મુક્ત કરવામાં આવ્યા છે. લગભગ આઠ વર્ષ સુધી ચાલેલા આ કાયદાકીય જંગનો અંત આવતા તમામ આરોપીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કોર્ટના આ ચુકાદાથી પોલીસની પ્રોહિબિશન કેસોમાં તપાસ પદ્ધતિ અને મેડિકલ પ્રોટોકોલના પાલન પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આ ચુકાદો અન્ય સમાન કેસો માટે પણ મહત્વનું ઉદાહરણ સાબિત થઈ શકે તેમ છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
