<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ચૂંટણી પહેલાં ભાજપ સરકારનું ‘મિશન ટ્રાઇબ’: ચાર પ્રધાનો 72 કલાક આદિવાસી વિસ્તારોની મુલાકાતે જશે

દાંતા, મોરવા હડફ, ઝઘડિયા અને નિઝર વિધાનસભા વિસ્તારોમાં પ્રધાનો ધામા નાખશે:જિલ્લાના હોદ્દેદારો, સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં ‘મિશન ટ્રાઇબ’ હાથ ધર્યું છે. આજથી રાજ્ય સરકારના ચાર પ્રધાનો 72 કલાક માટે આદિવાસી વિસ્તારોની મુલાકાતે જવાના છે. આ અંતર્ગત દાંતા, મોરવા હડફ, ઝઘડિયા અને નિઝર વિધાનસભા વિસ્તારોમાં પ્રધાનો ધામા નાખશે. પ્રવાસ દરમિયાન જિલ્લાના હોદ્દેદારો, સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવશે. 

  આ બેઠકોમાં આદિવાસી સમાજ માટે અમલમાં મૂકવામાં આવેલી સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને લાંબા સમયથી પડતર રહેલા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. આગામી બજેટને ધ્યાનમાં રાખીને વિસ્તારની જરૂરિયાતો અને નવા બજેટમાં કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા અને આદિવાસી વિસ્તારોના વિકાસને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે. આ 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રધાનો સ્થાનિક સ્તરે મળતા પ્રતિભાવો અને રજૂઆતોના આધારે વિકાસલક્ષી મુદ્દાઓની સમીક્ષા કરશે. જોકે, આ અભિયાનના અંતે કયા પ્રશ્નોનો ઉકેલ આવે છે અને બજેટમાં આદિવાસી વિસ્તારો માટે કઈ જોગવાઈઓ થાય છે તેના પર સૌની નજર રહેશે.

(1:04 PM IST)