News of Saturday, 21st November 2026
૨૨ નવેમ્બરે ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપાનો ‘નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ વર્ચ્યુઅલ સંબોધન કરશે
રવિવારે સાંજે ૪ વાગ્યે એકસાથે યોજાનારા કાર્યક્રમમાં તરુણ ચૂઘ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી અને રત્નાકરજી નૂતન વર્ષની શુભકામના પાઠવશે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને પણ ઉજવાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા ૨૨ નવેમ્બર, ૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે ‘નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ’ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી મુજબ, આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને રાજ્યભરની તમામ ૧૮૨ વિધાનસભાના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનનો વિશેષ ઉલ્લેખ:
આ વર્ષનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ વિશેષ ગૌરવ અને આનંદનો અવસર પણ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનનાં ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થયાં છે. તેમના સક્ષમ નેતૃત્વ અને જનકલ્યાણલક્ષી કાર્યોના પરિણામે દેશના લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વિકાસ, સુશાસન અને જનસેવાના મંત્ર સાથે દેશની પ્રગતિની નવી દિશા કંડારાઈ છે અને કરોડો નાગરિકોના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે તેમના જીવનમાં ખુશીના દીપ પ્રજ્વલિત થયા છે. આ સ્નેહમિલન સમારોહમાં આ ગૌરવપૂર્ણ અવસરને યાદ કરીને સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ દૃઢ કરવામાં આવશે.
વિધાનસભા સ્તરે આગેવાનો અને પદાધિકારીઓની હાજરી:
સમગ્ર રાજ્યમાં યોજાનારા આ વિધાનસભા સ્નેહમિલન સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત ભાજપાના આગેવાનો અને અગ્રણીઓ પોતપોતાના મતવિસ્તારમાં આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો પ્રદેશ મીડિયા ઈન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા પ્રેસનોટ મારફતે જાહેર કરવામાં આવી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
