<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

તિલકવાડા તાલુકામાં ભાજપ દ્વારા છ અલગ અલગ સ્થળોએ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાય તેમના બેંક ખાતામાં જમા થશે

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગત તાલુકાના છ અલગ અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોના માધ્યમથી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ યોજનાના 24મા હપ્તાની સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શબ્દસરણ તડવી, તિલકવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ બારીયા, જિલ્લા પંચાયત સદસ્ય પંકજભાઈ ભીલ, નર્મદા જિલ્લા મીડિયા કન્વીનર રાજેશ ચૌહાણ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારત દેશ કૃષિ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્યનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂત પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી, 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત આજે દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 24મા હપ્તા પેટે રૂ.18,680 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાત રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાય તેમના બેંક ખાતામાં જમા થનાર છે.
તિલકવાડા તાલુકામાં યોજાયેલા આ કાર્યક્રમો દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા ખેડૂતો સાથે સંવાદ કરી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ રીતે તાલુકાના છ સ્થળોએ યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા.

(10:57 PM IST)