<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ભાજપ પેજ કમિટિનો પરપોટો ફુટયોઃ લોકો બહાર ન નિકળ્‍યા

ઓછા મતદાનથી કોંગ્રેસ-ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ : ભાજપના કાર્યકરો સ્‍વખર્ચે મતદારોને મતદાન મથક સુધી લાવવા વાહનોની ગોઠવણ કરતા હતા એનાથી દૂર રહ્યા

રાજકોટ, તા. ૨૭: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરોમાં સત્તાના સમીકરણ માટે રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન મતદારોના નિરુત્‍સાહથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. મતદારોમાં કોરોનાનો ડર હતો કે મોંઘવારી, બેરોજગારી તેમજ પેટ્રોલ ડીઝલ રાંધણગેસના ભાવ વધારા પ્રત્‍યેનો ઉગ્ર રોષ એ તો પરિણામો પછી સ્‍પષ્ટ થશે, પરંતુ હાલ તો દેખિતી રીતે ભાજપની પેજ કમિટિનો પરપોટો ફૂટી ગયો હોય એવુ સ્‍પષ્ટ થાય છે કેમ કે મતદાનના પ્રથમ પાંચ કલાકમાં જ મહાનગરોમાં વીસ ટકાથી ઓછા મતદાનના કારણે કમલમ્‌થી તમામ છયે મહાનગરોમાં તમામ નેતાઓનો સંપર્ક કરી લોકો મતદાન કરવા બહાર નીકળે એના માટે દોડાવવા સૂચના આપવી પડી હતી.

ભાજપના નેતાઓ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કયાંય મેદાને નથી એમ સતત કહેતા રહ્યા હતા એટલે સંભવ છે કે ભાજપનો કાર્યકર પણ નિヘતિં થઇને બેસી રહ્યો કે, પોતાના પક્ષનો વિજય થવાનો જ છે ને ! પણ આ વખતે સવારે ૭થી બપોરના ૧૧ વાગ્‍યા સુધીના ચાર કલાકમાં  છુટાછવાયા મતદારો મતદાન મથક ઉપર પહોંચીને મતદાન કરવા પહોંચી ગયા હતા.

ભાજપ પ્રમુખે પેજ કમિટી, પેજ પ્રમુખોને કેન્‍દ્રમાં રાખીને તૈયાર કરેલી માઇક્રો મેનેજમેન્‍ટની રણનીતિમાં કયાંક મોટા પાયે ચૂક જણાઇ આવી હતી. પેજ કમિટીઓ મોટાભાગે બારોબાર ફોટા લઇને નામો લખી કાગળ પર બનાવાઇ હોય એવુ જણાય છે. જોકે, આ અંગે કારણ આપતાં ભાજપના કાર્યકરો કહે છે કે, આ વખતે ભાજપે તેના કાર્યકરો પાછળ જોઇએ એવુ ધ્‍યાન આપ્‍યું નથી. કાર્યકરોને પણ મોંઘવારી, ભાવ વધારો નડે છે. આથી ભાજપના કાર્યકરો અત્‍યાર સુધી સ્‍વખર્ચે મતદારોને મતદાન મથક સુધી લાવવા લઇ જવાના વાહનોની ગોઠવણ કરતો હતો એનાથી દૂર રહ્યો છે એમાં એક કારણ કોરોનાની મહામારી પણ હશે. આની સાથે અમદાવાદ સહિત છ મહાનગરોમાં એક સાથે ૩૦૦ કોર્પોરેટરોને પડતાં મુકી નવા ચહેરાથી મેદાનમાં ઉતરવાના પાર્ટીના નિર્ણયથી આ હોદ્દેદારો સાથે મોટો વર્ગ સમુહ નારાજ થયો હોય એવુ પણ સ્‍પષ્ટ થાય છે. આ કાર્યકરોએ મતદારોને મતદાન માટે ઘરની બહાર કાઢવા માટે કોઇ પ્રયાસ કર્યો ન હતો.

બીજી તરફ સમગ્ર સ્‍થિતિ ગંભીર જણાતા બપોરે બાર વાગે પ્રદેશ કાર્યાલયથી મહાનગરોના ચૂંટણી નિરીક્ષકો, પ્રભારીઓ, ધારાસભ્‍યો સાંસદોને ટેલિફોન કરી લોકોને મતદાન માટે બહાર કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. ભાજપના ગઢ ગણાતા વિસ્‍તારોમાં ખાસ કરીને જાગનાથ, કાલાવડ રોડ, રૈયા રોડ,  જેવા વિસ્‍તારોમાં મતદાન બપોર પછી જ થોડું સક્રિય જણાયું હતું. રાજકોટ મહાનગરમાં ઘણાં સમય પછી પહેલી વખત કોંગ્રેસના બુથ દિવસ દરમિયાન ધમધમતાં રહ્યાં હતા. કોંગ્રેસના કાર્યકરોએ અનેક વોર્ડમાં મતદારોને સ્‍લીપ પહોંચાડીને નવો રેકોર્ડ રચ્‍યો હતો

(3:49 PM IST)