<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો દાહોદ જિલ્લાનો ઝંઝાવતી પ્રવાસ : દેવગઢ બારીયા ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે ઊર્જાસભર સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત કરવા આહવાન કર્યું

'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં મોદી સરકારના ૧૨ વર્ષના શાસનની ઐતિહાસિક સિદ્ધિઓ વર્ણવી : પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહજી (બાબા) ના રાજવી પરિવાર સાથે કરી ખાસ મુલાકાત

  દેવગઢ બારીયા, ૧ જુલાઈ:   ગુજરાત પ્રદેશ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના દાહોદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન દેવગઢ બારીયા ખાતે બૂથ સ્તરના કાર્યકર્તાઓ, મંડળ ભાજપા સંગઠનના હોદ્દેદારો-પદાધિકારીઓ અને સ્થાનિક ચુંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે એક અગત્યની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેઓએ ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરો સાથે ઊર્જાસભર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ બૂથ સ્તરના કાર્યકર્તાને સંગઠનનો અસલી પાયો અને સાચી શક્તિ ગણાવ્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપક અને વધુ સશકત બનાવવા માટે તમામ કાર્યકરોના અવિરત પરિશ્રમ અને અમૂલ્ય યોગદાનને મુક્તમને બિરદાવ્યું હતું.

 

*'વિકસિત ભારત યુવા સંવાદ' માં ખેલાડીઓ સાથે વિશેષ મુલાકાત:*

દાહોદ પ્રવાસ દરમિયાન દેવગઢ બારીયા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે વિસ્તારના ઊર્જાવાન યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ચર્ચા દરમિયાન તેમણે ‘મોદી સરકાર‘ના ૧૨ વર્ષના વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણ કેન્દ્રિત સુશાસનની ઐતિહાસિક સિદ્ધિઓ તેમજ રાષ્ટ્રનિર્માણના ક્ષેત્રે થયેલા અનેકવિધ નૂતન કાર્યો અંગે યુવાધન સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રમતગમત ક્ષેત્રે સ્થાનિક સ્તરે અદભુત અને અભૂતપૂર્વ પ્રતિભા ધરાવતા ઊભરતા ખેલાડીઓ સાથે પણ રૂબરૂ મુલાકાત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

 

  રાજવી પરિવાર અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહજી સાથે મુલાકાત: 

પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના પ્રતિષ્ઠિત રાજવી પરિવારની સદભાવના મુલાકાત લીધી હતી. આ ખાસ અવસરે તેઓએ દેવગઢ બારીયાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહજી (બાબા) સાથે બેઠક યોજીને વિવિધ વિષયો પર સકારાત્મક સંવાદ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષની આ મહત્વપૂર્ણ રાજવી પરિવારની મુલાકાત પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સ્થાનિક સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(5:13 PM IST)