News of Wednesday, 13th May 2026
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા સુકાનીઓની પસંદગી માટે ભાજપનું મંથન : સૌરાષ્ટ્ર-વડોદરાના હોદ્દેદારોના નામ નક્કી કરવા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
વડાપ્રધાનના પ્રવાસ બાદ મુલતવી રખાયેલી પ્રક્રિયા ફરી વેગવંતી બની : રાજ્યમાં 72 IASની બદલીના ઘાણવા બાદ હવે 21 મે સુધીમાં નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળે તેવી શક્યતા

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય પતાકા લહેરાવ્યા બાદ હવે ભાજપ શાસિત સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનો બીજો તબક્કો આજથી ગાંધીનગર ખાતે વિધિવત રીતે શરૂ થયો છે. આ બેઠકમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને વડોદરા ઝોનની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ પંચાયતોના હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવા માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા ગહન ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે.
પીએમ મોદીના કાર્યક્રમોને કારણે પ્રક્રિયા થોભાવી દેવાઈ હતી:
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 6 થી 8 મે દરમિયાન અન્ય જિલ્લાઓ માટેની બેઠકો પૂર્ણ થઈ હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ અને વડોદરાના પ્રવાસને ધ્યાને રાખીને આ વિસ્તારોની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. પીએમના પ્રવાસની તૈયારીઓમાં સ્થાનિક નેતાઓ વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવાયો હતો. હવે જ્યારે આ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, ત્યારે આજથી બે દિવસ માટે ફરીથી પાર્લામેન્ટ્રી બોર્ડ મળ્યું છે. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર તૈયાર કરવામાં આવેલી 3-3 ઉમેદવારોના નામોની પેનલ પર ઝીણવટભર્યું મંથન કરવામાં આવી રહ્યું છે.
વહીવટી ફેરબદલ બાદ રાજકીય નિમણૂકોનો માર્ગ મોકળો:
રાજ્યમાં આજે જ વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં સરકારે એકસાથે 72 IAS અધિકારીઓની બદલી કરી છે. અનેક મહત્વના શહેરોમાં નવા મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટી વડાઓ ચાર્જ સંભાળે તેની સાથે જ સમાંતર રીતે ભાજપ પોતાના નવા હોદ્દેદારોની યાદી પણ જાહેર કરશે. નવા અધિકારીઓની હાજરીમાં જ નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની પક્ષની વ્યૂહરચના છે.
તમામ નામો એકસાથે જાહેર થવાની સંભાવના:
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 21 મે સુધીમાં રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા પ્રમુખો, ઉપપ્રમુખો અને ચેરમેનો હોદ્દો ગ્રહણ કરી લે તેવું આયોજન છે. આ માટે આગામી એકાદ-બે દિવસમાં તમામ નામોની યાદી એકસાથે પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ મોવડીમંડળ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને નામોની પસંદગી કરવામાં આવી રહી છે, જેથી વહીવટી કામગીરીને નવી ઊર્જા સાથે આગળ ધપાવી શકાય.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
