<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમદાવાદના ખાડિયામાં ભાજપને મળેલી હારે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું: ગામ જીત્‍યા, ગઢ હાર્યા જેવી સ્‍થિતિઃ આખરે જનતાએ કેમ પાસું પલટયું?

ખાડિયામાં ભાજપની હારની આટલી બધી ચર્ચા કેમ? : ભૂષણ ભટ્ટે ‘વારસો' ગુમાવ્‍યો, ૪૨ વર્ષે કોંગ્રેસે વિધાનસભા સીટ આંચકી

 

અમદાવાદ,તા.૨૯: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ચારે તરફ ભવ્‍ય જીતની ઉજવણી થઇ રહી છે. તમામે તમામ ૧૫ મહાનગરપાલિકામાં ભાજપની જીત થઇ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં પણ ભાજપે તેની સ્‍થિતિ જાણવી રાખી ૧૬૦ બેઠકો કબ્‍જે કરી છે. અમદાવાદના ખાડિયામાં ભાજપને મળેલી હારે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું અને લોકો ચર્ચાનો વિષય બન્‍યો છે. આજે આપણે જાણીશું કે કેમ લોકો આ હારની ચર્ચા કરી રહ્યા છે અને રાજકીય તરીકે આ હાર કેટલી મોટી છે?

ખાડિયા - ‘ધ હેરિટેજ' ખાડિયા અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલું છે. ખાડિયાની ફરતે સારંગપુર, રાયપુર, માણેકચોક અને કાલુપુર જેવા વિસ્‍તારો આવેલા છે. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીના નળ અહીં નાખવામાં આવ્‍યા હતા, સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્‍તારમાં નાંખવામાં આવી હતી. હવે તે વર્ષો જૂના હેરિટેજ મકાનો અને આર્કિટેક્‍ચર સ્‍થાપ્‍ત્‍યના લીધે લોકોનું ધ્‍યાન ખેંચે છે.

ગુજરાત ભાજપનું પહેલું 'ઘર' ખાડિયા, અમદાવાદનો એ વિસ્‍તાર છે, જે ભારતીય જનતા પાર્ટીના મૂળ સાથે જોડાયેલો છે. કેમ કે, અહીં ભાજપનું પ્રથમ પ્રદેશ કાર્યાલય શરૂ કરવામાં આવ્‍યું હતું. ખાડિયા ગોલવાડમાં તેની શરૂઆત થઇ હતી. આ ઇમારત પહેલા ૧૯૭૨માં જનસંઘ અને ત્‍યારબાદ ૧૯૮૦માં ભાજપનું પ્રથમ ગુજરાત પ્રદેશ કાર્યાલય હતું. વર્ષો સુધી જર્જરિત હાલતમાં રહ્યા બાદ આ ઇમારતનું સમારકામ કરાવવામાં આવ્‍યું હતું. આ ઇમારત 'વસંત સ્‍મૃતિ' તરીકે જળવાયેલી છે.

અશોક ભટ્ટની ત્રણ દાયકાની લોકનેતાની છબીઃ ખાડિયાને ભાજપના ગઢ તરીકે સાચવી રાખવામાં ગુજરાત રાજ્‍યના સ્‍વાસ્‍થ્‍ય, ન્‍યાય અને કાયદા મંત્રી, વિધાનસભાના સ્‍પિકર રહી ચૂકેલા અશોક ભટ્ટનો સિહફાળો રહ્યો હતો. હાલમાં તેમનો પુત્ર ભૂષણ ભટ્ટ ભાજપનું પ્રતિનિધત્‍વ કરે છે. અશોક ભટ્ટ ત્રણ દાયકા સુધી ખાડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હતા. ખાડિયાની જેનસેવા કરતાં નેતાઓમાં અશોક ચંદુલાલ ભટ્ટ અને હરીન પાઠકની જોડી દાયકાઓ સુધી રાજકીય ઓળખ રહી હતી. હરીન પાઠકે ૧૯૮૯થી ૨૦૧૪ સુધી લોકસભામાં અમદાવાદનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું.

ભૂષણ ભટ્ટે 'વારસો' ગુમાવ્‍યો, ૪૨ વર્ષે કોંગ્રેસ વિધાનસભા સીટ આંચકીઃ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ભૂષણ ભટ્ટે ભાજપનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. પરંતુ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે વિધાનસભા બેઠક ગુમાવી હતી અને ૪૨ વર્ષ બાદ ખાડિયામાં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ વિજય થયો હતો. તેમણે ૨૦૨૨માં પણ પોતાની સીટ સાચવી રાખી હતી. હાલની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક જીત માટેનો શ્રેય પણ ઇમરાન ખેડાવાલાને અપાય છે.

ગામ જીત્‍યા, ગઢ હાર્યા જીતના હીરો ઇમરાન ખેડાવાલાનું નિવેદન ગઇકાલે મંગળવારે પરિણામ આવતાં જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્‍ય ઇમરાન ખેડાવાલાએ મતદારોનું આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે, ચૂંટણી દરમિયાન ભારત-પાકિસ્‍તાનની જે વાતો કરતાં હતાં, તો હું માનું છું કે ખાડિયામાં પાકિસ્‍તાનની હાર થઇ છે અને ભારતની જીત થઇ છે. જે ગામ જીત્‍યા છે, પણ ગઢ હારી ગયા છે, તેવો માહોલ અમદાવાદમાં છે. ખાડિયાની પ્રજાએ કામ પર વિશ્વાસ રાખ્‍યો છે. બે ટર્મથી લોકોની વચ્‍ચે જઉ છુ, લોકોના કામ કરુ છુ, લોકોના પ્રસંગોમાં હાજરી આપુ છુ, એટલે લોકોએ મને મત આપ્‍યા છે. કોંગ્રેસ પાર્ટીને મત આપ્‍યા છે. સરકારનું આખું મંત્રીમંડળ ખાડિયામાં પ્રચાર કરવા આવ્‍યું હતું. પરંતુ લોકોએ નક્કી કર્યું હતું કે કોંગ્રેસના શિક્ષિત ઉમેદવારોને મત આપવા છે. ૫૫ વર્ષના ઇતિહાસમાં એક પણ વખત કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીત્‍યા નથી. પરંતુ ખાડિયાની જનતાએ ઇતિહાસ તોડી નાંખ્‍યો છે. હું ખાડિયાની ખમીરવંતી જનતાનો આભાર વ્‍યક્‍ત કરુ છુ.

ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્‍પદ નિવેદનથી ચર્ચાઃ પ્રચાર દરમિયાન અમદાવાદના ખાડિયા વિસ્‍તારમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જે ગુજરાતમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું હતું. વર્ષ ૧૯૭૨થી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ભૂષણ ભટ્ટની એક વાત ઘણી જ વાયરલ થઈ હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ખાડિયાને આપણે પાકિસ્‍તાન થવા નહીં દઈએ. જે નિવેદન પર ખાડિયાના ધારાસભ્‍ય ઈમરાન ખેડાવાલે કહ્યું હતું કે, ભૂષણભાઈનું આ નિવેદન ઘણું જ હાસ્‍યાસ્‍પદ છે. અમદાવાદની સ્‍થાનિક ચૂંટણીમાં પાકિસ્‍તાન લઈ આવ્‍યા એટલે એમને અહીં કોઈ બીજા કોઈ મુદ્દા નથી દેખાતા.

આખરે જનતાએ કેમ પાસું પલટ્‍યું? ખાડિયા વિસ્‍તારમાં લોકોનો રોષ પરિણામમાં દેખાયો છે. હવે ચર્ચાએ વાતની થઇ રહી છે કે, સ્‍થાનિકો કઇ બાબતે નારાજ હતા. એક ચર્ચા એવી પણ છે કે, ખાડિયા વોર્ડમાં છેલ્‍લા ઘણાં સમયથી વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્‍થાનિકોમાં રોષ છે. આ મુદ્દે એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની મુશ્‍કેલી વધી હતી. ચર્ચા એવી પણ હતી કે, છેક સુધી અપક્ષ ઉમેદવારને મનાવવાના પ્રયાસો થયા હતા

(3:40 PM IST)