તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 28th April 2026
ગાંધીનગરના 'શ્રી કમલમ' ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક વિજયને નેતાઓએ વધાવ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ ના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજયી ગર્જના : જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ પર અતૂટ ભરોસો મૂકીને વિરોધ પક્ષોને આપ્યો પછડાટ - મુખ્યમંત્રી

ગાંધીનગર : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જનાદેશ મેળવીને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. આ ભવ્ય જીતની ઉજવણી કરવા માટે આજે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં હજારો કાર્યકરોએ ઢોલ-નગારાના નાદ અને ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે કેસરીયા માહોલમાં વિજયને વધાવ્યો હતો.
પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ પ્રત્યે ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. જનતાએ પોતાના મતાધિકાર દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે ગુજરાત ક્યારેય નકારાત્મકતાને સ્વીકારતું નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના માર્ગદર્શન હેઠળ થયેલા મજબૂત ટીમવર્કનું આ પરિણામ છે. તેમણે ઉમેર્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યની વિકાસયાત્રા વધુ વેગથી આગળ ધપાવવામાં આવશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યની સાડા છ કરોડ જનતાને નતમસ્તક વંદન કરતા કહ્યું કે, જનતાએ છેલ્લા ૩૦ વર્ષથી વિકાસની રાજનીતિ પર મૂકેલો ભરોસો આજે પણ અકબંધ છે. તેમણે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ગુજરાતને બદનામ કરવાના વારંવાર પ્રયાસો થયા, છતાં જનતાનો વિશ્વાસ ડગ્યો નથી. હવે માત્ર ચૂંટણી સમયે દેખાતા લોકો માટે ઘરે જવાનો સમય આવી ગયો છે. આ વિજયને તેમણે બૂથ સ્તરના કાર્યકરોના સમર્પણ અને વિઝનનો વિજય ગણાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો વિજય ગણાવતા કહ્યું કે, અન્ય રાજ્યોના ખેડૂતો અને ગરીબોના નાણાં વાપરીને ગુજરાતને બદનામ કરવાનું જે ષડયંત્ર રચાયું હતું, તેનો જનતાએ જડબાતોડ જવાબ આપી દીધો છે. તેમણે કોરોના અને કુદરતી આફતો વખતે ખડેપગે સેવા આપનારા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીઓ ડો. પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ગોરધન ઝડફીયા અને સુરેન્દ્રકાકા સહિતના વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ‘કમલમ’ સંકુલ વિજયના ઉત્સાહ અને કાર્યકરોના ઉમંગથી ગૂંજી ઉઠ્યું હતું.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
