News of Friday, 18th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં ઠેર-ઠેર રક્તદાન શિબિરનું આયોજન
--દિવસ દરમિયાન ૬ જિલ્લામાં ૧૨૮૨થી વધુ બોટલ- યુનિટ રક્ત એકત્રિત કરાયું: વિવિધ જિલ્લાઓમાં નાગરિકોએ રક્તદાનની સાથે અંગદાનના શપથ લીધા

ગાંધીનગર :વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે રાજ્યમાં ઠેર-ઠેર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પાટણ, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, આણંદ અને ભાવનગર જિલ્લામાં કુલ ૧૭ રક્તદાન શિબિરમાં ૧૨૮૨થી વધુ બોટલ- યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં નાગરિકોએ રક્તદાનની સાથે અંગદાનના પણ શપથ લીધા હતા.
આણંદ જિલ્લામાં ૯ રક્તદાન શિબિરો યોજાઇ: કુલ ૬૨૪ યુનિટ રક્ત એકત્રિત કરાયું
આણંદ જિલ્લામાં "સેવા મેરા યોગદાન" અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ૯ રક્તદાન શિબિરોમાં નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓના ઉત્સાહભેર સહયોગથી કુલ ૬૨૪ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં કરમસદ, ચાંગા, આણંદ, પેટલાદ અને તારાપુર ખાતેના મુખ્ય કેન્દ્રો પરથી આ રક્ત મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની અછત દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ તમામ રક્તદાતાઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
ભાવનગર શહેરમાં કુલ ૨૫૬ બોટલ રક્ત એકત્રિત કરાયું
ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોતીબાગ ટાઉનહોલ ખાતે સર ટી. હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં શહેર તથા વોર્ડ સંગઠનના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી કુલ ૨૫૬ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્યઓ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
