News of Saturday, 30th May 2026
ડીસા-પાલનપુર હાઇવે પર લોહિયાળ સવાર: ટેન્કરની પાછળ એસટી બસ ધડાકાભેર ઘુસી જતાં ૭ મુસાફરો ઈજાગ્રસ્ત
બસના આગળના ભાગનો કુરચો નીકળી ગયો, મુસાફરોમાં મચી અફરાતફરી: હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે

ડીસા : ડીસા-પાલનપુર હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ડીસાથી પાલીતાણા રૂટ પર જતી એસટી બસ મોટા ગામ નજીક પહોંચી ત્યારે આગળ જઈ રહેલા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી બસ ટેન્કરની પાછળના ભાગમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બસના આગળના ભાગનો કુરચો નીકળી ગયો હતો, જેમાં બસચાલક સહિત કુલ ૭ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને અપાઈ તાત્કાલિક સારવાર
અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે બચાવ કામગીરી હાથ ધરી ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ૧૦૮ ની ટીમ સમયસર પહોંચી જતાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ મુસાફરોને ભારે માનસિક આઘાત પહોંચાડ્યો હતો.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડીસા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે હવે અકસ્માત પાછળ કોની બેદરકારી છે તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
વારંવાર હાઇવે પર બનતી આ પ્રકારની દુર્ઘટનાઓને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે હાઈવે પર મુસાફરી કરતી વખતે વાહનો વચ્ચે પૂરતું અંતર જાળવવું અને ગતિ મર્યાદાનું કડક પાલન કરવું, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ટાળી શકાય.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
