News of Tuesday, 5th May 2026
વડોદરાના અંકોડિયા અને ઊંડેરાની સીમમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર
ઝાડીઓમાં ચાદરમાં લપેટેલી હાલતમાં મૃતદેહ મળ્યો: ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલો: યુવતીની હત્યા કરાઈ હોવાની આશંકા

વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા અને ઊંડેરાની સીમમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઝાડી-ઝાંખરામાં ચાદરમાં લપેટેલી હાલતમાં આ લાશ મળી આવી હતી, જેને જોતા યુવતીની ક્રૂર હત્યા કરાઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
મળતી વિગત મુજબ, વડોદરાના અંકોડિયાની સીમમાં ઝાડીઓમાંથી પસાર થતા લોકોને એક શંકાસ્પદ ચાદર દેખાઈ હતી, જેની તપાસ કરતા અંદરથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીના ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલો જોવા મળ્યો હતો, જે હત્યા તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં આ યુવતી કોણ છે અને ક્યાંની છે તે જાણવા માટે પોલીસે ઓળખ પ્રક્રિયા હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરી છે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
