<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ભરૂચના જંબુસરના કાવી ગામે 3 દિવસથી ગુમ મહીલાનો મૃતદેહ નર્મદા કેનાલ પાસેની ઝાડીમાંથી મળતા ચકચાર

રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ કાવી અને નહાર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલ નજીકની ઝાડીઓમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી એક પરિણીતાનો મૃતદેહ આજે કાવી અને નહાર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલ નજીકની ઝાડીઓમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. 

ઘટનાની મળતી વિગતો અનુસાર, કાવી ગામની સીમમાંથી જે મહિલાનો મૃતદેહ મળ્યો છે, તેમની ઓળખ શીલાબેન રમેશભાઈ રાવલ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ત્રણ દિવસ પહેલા શીલાબેનને તેમના પતિ સાથે કોઈ બાબતે ઘરકંકાસ એટલે કે મોટો ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ તે ભારે આઘાતમાં સરી પડી હતી અને કોઈને કહ્યા વગર અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો.

આ દરમિયાન આજે કાવી અને નહાર ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં આવેલી ગીચ ઝાડીઓમાંથી સ્થાનિકોને દુર્ગંધ આવતા તપાસ કરી હતી, જેમાં શીલાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ભયાનક ઘટનાની જાણ તાત્કાલિક કાવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.

કાવી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મહિલાનું મોત કયા કારણોસર થયું છે, તેણે આત્મહત્યા કરી છે કે, પછી તેની પાછળ કોઈ અન્ય કારણ કે હત્યાનું કાવતરું છે, તેવું રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે આ મામેલ અકસ્માત મોતનો ગુનો નોંધીને પરિવાર અને આસપાસના લોકોની પૂછપરછ સાથે આગળની તપાસ તેજ કરી છે.

(10:58 PM IST)