<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ઝુંબેશ: પંચમહાલ જિલ્લામાં મોટું ઓપરેશન :ટીમોએ 17,500 જેટલા વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા

ધોરણ 1 થી 10 સુધીમાં ભણતર છોડી દેનારા 17500 છાત્રોના ઘરે-ગામે જઈને શિક્ષણ વિભાગની ટીમોએ તપાસ કરી 1643 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકોને આગળ ભણાવવાની ના પાડી

ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કવાયત અંતર્ગત પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગે એક મોટું ઓપરેશન હાથ ધરીને શાળાએ ન જતા અને અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારા અધધ 17,500 જેટલા વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા છે. ધોરણ 1 થી 10માં અભ્યાસ છોડીને ઘરે બેસી ગયેલા આ બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમને સ્કૂલે પહોંચાડવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે.

 

શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ખાસ સર્વેક્ષણ દરમિયાન પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળાના એવા બાળકોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેઓ કોઈને કોઈ કારણોસર લાંબા સમયથી શાળાએ જતા નહોતા. ધોરણ 1 થી 10 સુધીમાં ભણતર છોડી દેનારા આ 17500 છાત્રોના ઘરે-ગામે જઈને શિક્ષણ વિભાગની ટીમોએ તપાસ કરી હતી. આ મહાઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં સાક્ષરતાનો દર વધારવાનો અને ગરીબ તેમજ પછાત વર્ગના બાળકો પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

 

આ આખી કામગીરી દરમિયાન શિક્ષણ વિભાગ સામે એક મોટો અને ચોંકાવનારો પડકાર પણ સામે આવ્યો છે. સર્વે દરમિયાન અંદાજે 1643 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોને આગળ ભણાવવાની સાફ અને સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાલીઓ આર્થિક સંકડામણ, ઘરકામ અથવા મજૂરીકામમાં મદદ મેળવવા જેવા વિવિધ કારણોસર પોતાના સંતાનોને શાળાએ મોકલવા તૈયાર નહોતા. 

 

વાલીઓના નકારાત્મક વલણ છતાં શિક્ષણ વિભાગે હિંમત હાર્યા વગર કામગીરી ચાલુ રાખી હતી. શિક્ષકો અને અધિકારીઓની ટીમો દ્વારા આવા તમામ વાલીઓનું ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સરકાર તરફથી મળતી વિવિધ સહાય અને મફત શિક્ષણની યોજનાઓ વિશે માહિતગાર કરીને આખરે મોટાભાગના બાળકોને ફરીથી શાળાના પગથિયાં ચડાવવામાં તંત્રને મોટી સફળતા મળી છે. પંચમહાલ જિલ્લાની આ કામગીરી હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

(11:13 AM IST)