<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

અંકલેશ્વરમાં આમલાખાડીના તેજ પ્રવાહમાં કાર તણાઈ : સ્થાનિક યુવાનો બન્યા તારણહાર : બે જિંદગીને બચાવી

અંકલેશ્વરના પીરામણ બ્રિજ નીચેથી પસાર થતી આમલા ખાડીમાં ભારે વરસાદને કારણે ભારે પૂર: ઘસમસતા અને કાળમુખા પ્રવાહની ગંભીરતા સમજ્યા વિના પસાર થવા ગયેલી એક તવેરા કાર અચાનક પાણીના ભારે વહેણમાં ફસાઈ ગઈ હતી

અંકલેશ્વરમાં આમલાખાડીના ઘસમસતા પ્રવાહમાં તણાતી કારમાંથી બે જિંદગીઓને સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરી ઉગારી લેવાઈ છે. જ્યારે લોકો કેમેરા રીલ ઉતારવામાં વ્યસ્ત હોય છે, ત્યારે કેટલાક લોકો એવા છે જે બીજાના જીવ બચાવવા પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દે છે.

કુદરતના કોપ આગળ જ્યારે માણસ લાચાર બની જાય છે, ત્યારે કોઈ દેવદૂત બનીને આવે છે અને એ સાબિત કરી બતાવે છે કે માનવતા કરતાં મોટો કોઈ ધર્મ નથી. આવોજ એક હૃદયદ્રાવક અને સાથે જ હિંમત અને ભાઈચારાની મિશાલ કાયમ કરતો કિસ્સો અંકલેશ્વરના પીરામણ બ્રિજ નીચે બનવા પામ્યો છે. અંકલેશ્વરના પીરામણ બ્રિજ નીચેથી પસાર થતી આમલા ખાડીમાં ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. ખાડીના પાણી ભયજનક સપાટી વટાવીને રસ્તા પર ફરી વળ્યા હતા. આ ઘસમસતા અને કાળમુખા પ્રવાહની ગંભીરતા સમજ્યા વિના પસાર થવા ગયેલી એક તવેરા કાર અચાનક પાણીના ભારે વહેણમાં ફસાઈ ગઈ હતી. જોતજોતામાં ગાડીમાં સવાર બે ઈસમોના શ્વાસ તાળવે ચોંટી ગયા હતા. 

 

ચારેય તરફ ઉછળતા પાણી અને મોતનો સાક્ષાત્કાર થઈ રહ્યો હતો જ્યારે આ બે અજાણ્યા લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા, ત્યારે પીરામણના રહીશ ફારૂક ભાઈ તથા મેહમુદ ભાઈની નજર આ દ્રશ્ય પર પડતાજ પોતાની જિંદગીનો સહેજ પણ વિચાર કર્યા વિના, માત્ર સામે દેખાતા બે માસૂમ જીવોને બચાવવા આબંને ઘસમસતા પાણીમાં ઝંપલાવ્યું પોતાના જીવને જોખમમાં મૂકીને, ભારે મુશ્કેલીઓ અને વહેણના સામે પ્રવાહે તરીને તેઓ કાર સુધી પહોંચ્યા અને અદ્ભુત સાહસ, ધૈર્ય તથા માનવતાનું ઉદાહરણ પૂરું પાડીને બંને ઈસમોને હેમખેમ બહાર કાઢ્યા.

(7:56 PM IST)