<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

સી.બી.આઇ. કેસના આરોપીનો પાસપોર્ટ ૧૦ વર્ષ માટે રિન્‍યુ થઇ શકેઃ હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ, તા.૬: સીબીઆઈના પડતર કેસમાં સંડોવાયેલા આરોપીના પાસપોર્ટ રિન્‍યુઅલ અંગે હાઈકોર્ટે એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. હાઈકોર્ટના જસ્‍ટિસ મૂળચંદ ત્‍યાગીએ સ્‍પષ્ટ કર્યું છે કે, ક્રિમિનલ કેસ પડતર હોય તો પણ આરોપીનો પાસપોર્ટ સામાન્‍ય નિયમ મુજબ ૧૦ વર્ષ માટે રિન્‍યુ કરી શકાય છે. આ સાથે જ હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના માત્ર ૩ વર્ષ માટે પાસપોર્ટ રિન્‍યુ કરવાના હુકમમાં સુધારો કર્યો છે.

અમદાવાદ (ગ્રામ્‍ય)ની સ્‍પે. સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલા છેતરપિંડી અને ગુનાઈત કાવતરાના કેસમાં આરોપી મોહંમ્‍મદ ઈકબાલ ગનીભાઈ મેઘરેજીએ પોતાનો પાસપોર્ટ ૧૦ વર્ષ માટે રિન્‍યુ કરવા મંજૂરી માગી હતી. જોકે, સીબીઆઈ કોર્ટે માત્ર ૩ વર્ષ માટે જ પાસપોર્ટ રિન્‍યુ કરવાની પરવાનગી આપી હતી. નીચલી કોર્ટના આ હુકમ સામે અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતા. અરજદાર તરફથી હાજર એડવોકેટ યશ જે. પટેલે કોર્ટ સમક્ષ દલીલો કરતા જણાવ્‍યું હતું કે અરજદાર ૬૭ વર્ષના સિનિયર સિટીઝન છે અને બિઝનેસના કામે તેમને અવારનવાર વિદેશ પ્રવાસ કરવાનો રહે છે. આ ઉપરાંત તેમના સંતાનો પણ વિદેશમાં સ્‍થાયી થયેલા છે. માત્ર કેસ પેન્‍ડિંગ હોવાને કારણે પાસપોર્ટની મુદત ટૂંકાવી શકાય નહીં. સુનાવણીદરમિયાન રિજનલ પાસપોર્ટ ઓફિસર તરફથી એવો વાંધો ઉઠાવાયો હતો કે અરજદારે હજુ પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ રિન્‍યુઅલ માટે અરજી જ કરી નથી. તેથી આ પિટિશન કસમયની ગણાય. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવતા નોંધ્‍યું હતું કે, કેસ પેન્‍ડિંગ હોવાથી અરજદાર સક્ષમ કોર્ટની પૂર્વ મંજૂરી લીધા બાદ જ પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ જઈ શકે છે.

બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, સામાન્‍ય રીતે પાસપોર્ટ ૧૦ વર્ષના સમયગાળા માટે રિન્‍યુ કરવામાં આવે છે, ત્‍યારે ટ્રાયલ કોર્ટે પણ અરજદારને ૧૦ વર્ષ માટે પાસપોર્ટ રિન્‍યુ કરવાની પરવાનગી આપવી જોઈતી હતી. આ સાથે હાઈકોર્ટે અરજદારનો પાસપોર્ટ ૧૦ વર્ષ માટે રિન્‍યુ કરવાનો આદેશ કર્યો છે. જોકે, કોર્ટે શરત મૂકી છે કે અરજદારે ભારત છોડતા પહેલાં ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને ટ્રાયલ કોર્ટ કાયદા મુજબ યોગ્‍ય શરતો લાદી શકશે.

(11:34 AM IST)