News of Friday, 24th April 2026
CBSE ધો.૧૦ની દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
૧૫ મેથી બીજા તબક્કાની એક્ઝામ : પહેલા તબક્કાની પરીક્ષાના પરિણામ બાદ વધુમાં વધુ ત્રણ વિષયમાં પરિણામ સુધારવા તક મળશેઃ કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવતાં હોય તેમને પણ આ પરીક્ષા આપવાની તક મળશે

અમદાવાદ,તા.૨૪: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી' અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. ૧૫મી મેથી આ પરીક્ષાનો પ્રારંભ થશે, જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી અથવા જેમને પરિણામ સુધારવું છે તેમને ફરી એકવાર પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક મળશે. મહત્ત્વનું છે કે, વધુમાં વધુ ત્રણ વિષયમાં પરિણામ સુધારવાની તક અપાશે. આ સિવાય કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવતાં હોય તેમને પણ આ પરીક્ષા આપવાની તક મળશે.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા અગાઉ લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં ૧૫મી એપ્રિલે જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૪.૭૧ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી ૨૩.૧૬ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેની સામે ૧,૫૫,૭૬૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ગુજરાતમાંથી ૪૫,૧૦૭ વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૩,૫૭૬ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, ગુજરાતમાં અંદાજે ૧૫૩૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગત જૂન ૨૦૨૫માં જ ધો.૧૦માં ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી જાહેર કરી દેવામાં આવી હતી. જેના અનુસંધાનમાં બોર્ડ દ્વારા આજે બીજા તબક્કાની એટલે કે બીજી વખત લેવાનારી ધો.૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ કે, બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેની સાથે જ બીજા દિવસથી ૧૬મી એપ્રિલથી બીજા તબક્કાની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. તા.૨૨મીના રોજ ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચુકી છે. જેની સાથે જ બોર્ડ દ્વારા બીજા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.
બોર્ડ દ્વારા બીજા તબક્કાની પરીક્ષા માટે જાહેર કરાયેલા નિયમ પ્રમાણે પહેલા તબક્કાની પરીક્ષાના પરિણામમાં વધુમાં વધુ ત્રણ વિષયમાં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપવામાં આવશે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી છે. આમ, ૧૫મી મેથી વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે નવેસરથી વધુમાં વધુ ત્રણ વિષયમાં ફરીવાર પરીક્ષા આપી શકશે. આ સાથે જ મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ સ્ડાન્ડર્ડ ગણિત રાખ્યુ હોય તેઓ બીજા તબક્કાની પરીક્ષામાં બેઝિક ગણિતની પસંદગી કરી શકશે. આજ રીતે જે વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષામાં બેઝિક ગણિત રાખ્યું હોય તેઓ પણ બીજી પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કરી શકશે.
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ (સવારે ૧૦:૩૦થી ૧:૩૦)
તારીખ વિષય
૧૫મી મે ગણિત (સ્ટાન્ડર્ડ / બેઝિક)
૧૬મી મે અંગ્રેજી
૧૮મી મે વિજ્ઞાન
૧૯મી મે ગુજરાતી, હિન્દી સહિતની ભાષાઓ
૨૦મી મે સંસ્કૃત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), આઇટી (IT)
૨૧મી મે સામાજિક વિજ્ઞાન.(૪૦.૪)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
