News of Saturday, 24th October 2026
૨૫ કરોડનું ડ્રગ્સ અને ૨ હજાર કરોડનું હેરોઈન ઝડપાતા કેન્દ્ર સરકાર ચોંકી! : દિલ્હીથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ અમદાવાદ દોડી આવી : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે બેઠકો શરૂ
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનોથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ : છેલ્લા એક વર્ષથી નેટવર્ક તોડવા સક્રિય રહેલા અધિકારીઓની કાબીલેદાદ કામગીરી બાદ કેન્દ્રીય એજન્સીઓએ ધામા નાખ્યા

રાજકોટ : ગુજરાતમાંથી ૨૫ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ અને ૨ હજાર કરોડ રૂપિયાના જંગી જથ્થાવાળા હેરોઈનનું ઇન્ટરનેશનલ રેકેટ ઝડપાઈ જતાં કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીથી કેન્દ્રીય જાસૂસી અને તપાસ એજન્સીઓ તાબડતોબ અમદાવાદ દોડી આવી છે અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા આ મામલાની તપાસ હવે કેન્દ્રીય એજન્સીઓએ પોતાના હાથમાં લીધી છે અને અમદાવાદમાં ધામા નાખ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઇન્ટરનેશનલ રેકેટ અંગે અમદાવાદના હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારથી જ તેમને મળેલી બાતમીના આધારે કવાયત શરૂ થઈ હતી. તે સમયે વિશાળ નેટવર્ક ધરાવતા સુરત ડીસીપી ભાવેશ રોજિયાને આ મહત્વનું મિશન સોંપવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય રેકેટને સંપૂર્ણપણે છિન્નભિન્ન કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છેલ્લા એક વર્ષથી પાછળ લાગ્યા હતા અને સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.
આ સમગ્ર મિશન દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા શરદ સિંઘલ, સુરત એડિશનલ સીપી કરણ રાજ વાઘેલા અને અમદાવાદ ડીસીપી ક્રાઇમ અજીત રાજીયાણ સતત કાર્યરત રહ્યા હતા. આ હાઇ-પ્રોફાઇલ તપાસના ભાગરૂપે હવે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અમદાવાદ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે બંધબારણે મહત્વની ચર્ચાઓ અને બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે, જેથી આ રેકેટના તાર કયા કયા દેશો અને શખ્સો સાથે જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકાય.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
