<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના શાર્પ શૂટર મોહમદ તસ્લીમ ઉરફે મોહમદ શેખને ઝડપી પાડ્યો

ડીસીપી અજિત રિજિયાણ અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલની ટીમની કાબીલેદાદ કામગીરી : ૧૯૯૨ના રાધિકા જીમખાના હત્યાકાંડ અને રાઉફ વલીઉલ્લાહ મર્ડર કેસનો ૨૦૧૯થી પેરોલ જમ્પ કરી વૉન્ટેડ આજીવન કેદનો પાકો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર

રાજકોટ:ગુજરાતના અંડરવર્લ્ડ ઇતિહાસમાં વર્ષ ૧૯૯૨માં પહેલીવાર પ્રતિબંધિત એકે-૪૭ અને ઓટોમેટિક મશીનગન જેવા ઘાતક હથિયારોનો હરીફ ગેંગ પર ખુલ્લેઆમ ઉપયોગ કરનારી કુખ્યાત મર્હુમ અબ્દુલ લતીફ ગેંગના સૌથી ક્રૂર અને વિશ્વાસુ શાર્પ શૂટર મોહમદ તસ્લીમ ઉરફે મોહમદ તસ્લીમ મોહમદ ઉમર શેખને અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે સાત વર્ષની લાંબી ફરારી બાદ આખરે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૯થી કાયદાકીય કસ્ટડીમાંથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આ હાર્ડકોર શૂટરને પકડવા માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ. મલ્લિક તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ અજિત રિજિયાણની ટીમે અત્યંત કાબીલેદાદ અને પ્રશંસનીય ઓપરેશન પાર પાડ્યું છે.
**રાજસ્થાનથી ઓપરેશન પાર પાડી કરાઈ ધરપકડ:**
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ઓપરેટિવ્સ અને ફિલ્ડ ઇન્ટેલિજન્સ ટીમને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) દ્વારા મજબૂત કડીઓ મળી હતી કે ફરાર આરોપી મોહમદ તસ્લીમ રાજસ્થાનમાં છુપાયેલો છે. વર્ષ ૨૦૧૯માં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી હંગામી પેરોલ રજા મેળવ્યા બાદ કસ્ટડીમાંથી ભાગી છૂટેલો આ પાકો ગુનેગાર સતત પોતાની ઓળખ, છુપાવવાના સ્થળો અને વાતચીત કરવાના માધ્યમો (મોબાઇલ-સંચાર પદ્ધતિઓ) બદલીને અલગ-અલગ રાજ્યોની પોલીસને ચકમો આપી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનમાં સંકલિત અને વ્યૂહાત્મક ઓપરેશન ગોઠવી તેને દબોચી લીધો છે અને હવે તેને પરત સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
**૧૯૯૨નો લોહિયાળ રાધિકા જીમખાના હત્યાકાંડ:**
૩ ઓગસ્ટ, ૧૯૯૨ના રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા રાધિકા જીમખાના ક્લબમાં તસ્લીમ અને તેના ભારે હથિયારોથી સજ્જ હિટ સ્ક્વોડ (ગેંગસ્ટરો) એ આડેધડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. અબ્દુલ લતીફના હરીફ બુટલેગર હંસરાજ ત્રિવેદીનો ખાતમો બોલાવવા માટે આ ગેંગે એકે-૪૭ જેવા ઓટોમેટિક હથિયારોથી હુમલો કરીને ૯ નિર્દોષ વ્યક્તિઓની કરપીણ હત્યા કરી નાખી હતી. ગુજરાત ગેંગ વોરના ઇતિહાસમાં એકે-૪૭ (AK-47) હથિયારનો આ સૌપ્રથમ રેકોર્ડ થયેલો ઉપયોગ હતો, જે કેસમાં કોર્ટે તસ્લીમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
**પૂર્વ સાંસદ રાઉફ વલીઉલ્લાહની દિવસદહાડે કરપીણ હત્યા:**
ઓક્ટોબર ૧૯૯૨માં, મોહમદ તસ્લીમ અને તેના સાગરીતોએ પૂર્વ રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાઉફ વલીઉલ્લાહની ધોળા દિવસે જાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી. રાઉફ વલીઉલ્લાહ તે સમયે રાધિકા જીમખાનાના લોહિયાળ હત્યાકાંડમાં લતીફ ગેંગની સંડોવણી અને તેમના ગુનાહિત કારનામાઓને સત્તાવાર રીતે ખુલ્લા પાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા હોવાથી, ગેંગે વેરવૃત્તિ રાખીને આ દેશવ્યાપી ચર્ચાસ્પદ બનેલી રાજકીય હત્યાને અંજામ આપ્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પણ તસ્લીમ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલો ગુનેગાર છે, જે વર્ષોથી ફરાર હોવા છતાં હવે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે.

(4:11 PM IST)