News of Saturday, 9th May 2026
દાહોદના ભોરવા ગામે સસ્તા અનાજનું કૌભાંડ : ફિલ્મી ઢબે પીછો કરીને ગ્રામજનોએ અનાજ ભરેલું ગાડું ઝડપી પાડતા સંચાલકોમાં ફફડાટ
ધાનપુર તાલુકાના ભોરવા ગામે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કારસ્થાન ઉઘાડું પડ્યું : ગ્રામજનોએ જાગૃતિ બતાવી અનાજ ભરેલા વાહનને અટકાવી પુરવઠા વિભાગના મેળાપીપણા સામે ઉઠાવ્યા સવાલો

દાહોદ:દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવતા ભોરવા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબો માટે ફાળવવામાં આવેલું અનાજ બારોબાર વેચી મારવાનું મસમોટું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે. મોડી રાત્રે અનાજ ભરેલા ગાડાને સગેવગે કરવામાં આવી રહ્યું હોવાની શંકા જતા જાગૃત નાગરિકોએ ફિલ્મી ઢબે પીછો કરીને અનાજનો જથ્થો પકડી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગ્રામજનોએ જનતા દરોડો પાડી કૌભાંડ ખુલ્લું પાડ્યું
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, ભોરવા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ગત રાત્રિના સમયે અનાજ ભરેલું ગાડું શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યું હતું. આ અંગે ગ્રામજનોને જાણ થતા જ તેઓએ એકઠા થઈને વાહનનો પીછો કર્યો હતો. થોડે દૂર ગયા બાદ ગ્રામજનોએ આ અનાજ ભરેલા વાહનને આંતરી લીધું હતું. તપાસ કરતા તેમાં ગરીબોને આપવા માટેનું સરકારી અનાજ હોવાનું માલૂમ પડ્યું હતું. દુકાન સંચાલકો દ્વારા રાતના અંધારામાં આ રીતે અનાજ ક્યાં લઈ જવામાં આવતું હતું તેને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પુરવઠા વિભાગ અને સંચાલકોની મિલીભગતની આશંકા
આ ઘટના બાદ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, લાંબા સમયથી કાર્ડધારકોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી અને સંચાલકો દ્વારા સરકારી અનાજને કાળા બજારમાં વેચી મારવામાં આવે છે. આ કૌભાંડમાં પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓનું પણ પીઠબળ હોવાની શક્યતા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આ રેકેટના તાર ઘણા ઊંડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કડક તપાસ અને કાર્યવાહીની માંગ
ભોરવા ગામના લોકોએ ઝડપેલા અનાજના જથ્થા અંગે તંત્રને જાણ કરી છે. લોકોની માંગ છે કે આ પ્રકરણમાં સંડોવાયેલા સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેમનું લાયસન્સ રદ કરવામાં આવે. વારંવાર રજૂઆતો છતાં અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસીઓના મોઢાનો કોળિયો છીનવી લેતા આવા તત્વો સામે કલેક્ટર કક્ષાએથી કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેના કારણે જિલ્લા પુરવઠા તંત્ર દોડતું થયું છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
