<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અમદાવાદના સાયન્સ સિટીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના બાળ લાભાર્થીઓ સાથે સાધ્યો સહજ સંવાદ : વાત્સલ્યભાવ જોઈને માસૂમો ખીલી ઊઠ્યાં

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ યોજના હેઠળ ₹૩.૫ લાખની કિંમતનું એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર તદ્દન વિનામૂલ્યે અપાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૨૦ બાળકો સાથે એક્વાટિક ગેલેરી નિહાળી

  અમદાવાદ:   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારાં ૨૦ બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. વાત્સલ્યસભર વાતાવરણમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક સ્નેહાળ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી, જેના કારણે માસૂમ બાળકોના ચહેરા પર અનોખું સ્મિત રેલાઈ ગયું હતું. કાનની સર્જરી બાદ વાણી મળ્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સીધી વાત કરવાની તક મળતાં બાળકો પણ રાજી રાજી થઈ ગયાં હતાં. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી પી. ભારતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંવાદ દરમિયાન ઉપસ્થિત બાળકોના વાલીઓએ મોંઘા ઇમ્પ્લાન્ટ અને ઓપરેશન તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકાર તેમજ આ યોજનાના સુઆયોજિત અમલીકરણ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમ, સરકારના આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ અને અસારવા સિવિલ સહિતની હોસ્પિટલોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બાળકો સાથે સાયન્સ સિટીની પ્રખ્યાત ‘એક્વાટિક ગેલેરી’ની મુલાકાત લીધી હતી, જ્યાં રંગબેરંગી માછલીઓ અને જળચર સૃષ્ટિ જોઈને આશ્ચર્યચકિત થતાં બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ બાળસહજ અને સંવેદનશીલ શૈલી જોઈને ત્યાં હાજર બાળકોનાં માતા-પિતા અને ઉચ્ચ અધિકારીઓની આંખો પણ હર્ષના આંસુથી ભીની થઈ ગઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો કે જો સમાજમાં હજુ પણ આવાં જરૂરિયાત ધરાવતાં બાળકો હોય તો તમામ વાલીઓએ તે પરિવારોને આ યોજનાનો લાભ અપાવવા માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

આ યોજના અંગે પોતાના અનુભવો શેર કરતા સોનલબેન ભાવસારે જણાવ્યું હતું કે, લગ્નના ૧૩ વર્ષ પછી તેમને સંતાનસુખ મળ્યું હતું, પરંતુ બાળક સાંભળી-બોલી શકતું ન હોવાની જાણ થતાં તેઓ ભાંગી પડ્યા હતા. આંગણવાડીની મુલાકાત દરમિયાન RBSK ટીમે બાળકની તપાસ કરી અસારવા સિવિલમાં વિનામૂલ્યે ઓપરેશન કરાવ્યું, જેનાથી તેમની મોટી આર્થિક અને માનસિક ચિંતા સરકારે હરી લીધી છે. અન્ય એક વાલી ઋતુલ પંચાલે જણાવ્યું કે, તેમની દીકરી રૂહી બંને કાનથી સાંભળી શકતી ન હોવાથી મોંઘી સારવારના કારણે તેઓ ચિંતિત હતા, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. અને ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટના ઉત્કૃષ્ટ ગાઈડન્સ હેઠળ દીકરીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને એક વર્ષની સ્પીચ થેરાપી બાદ રૂહી આજે સામાન્ય બાળકોની જેમ સ્કૂલિંગ અને સામાજિક ગેટ-ટુગેધરમાં ભાગ લે છે. વાલી જૈનમ શાહે પણ જણાવ્યું કે તેમની દીકરી હાશ્વીને દોઢ વર્ષની ઉંમરે કાનની તકલીફ જણાતા સોલા સિવિલમાં પ્રથમ એક કાનનું અને ત્યારબાદ બીજા કાનનું સફળ ઓપરેશન કરાવ્યું હતું, જેના લીધે આજે સાડા ત્રણ વર્ષની હાશ્વી નોર્મલ બાળકોની જેમ સામાન્ય સ્કૂલમાં ભણીને સામાન્ય લાઈફ જીવે છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી 'શાળા આરોગ્ય કાર્યક્રમ' અંતર્ગત ૬ વર્ષ સુધીની ઉંમરના સંપૂર્ણ બહેરાશ ધરાવતા માસૂમ બાળકોને તદ્દન વિનામૂલ્યે કોકલીયર ઈમ્પ્લાન્ટ કરી આપવાનો ઉમદા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જેના હેઠળ અત્યાર સુધીમાં ૩,૫૦૦ થી વધુ બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા છે. રાજ્યના બાળકોને ઘરઆંગણે જ આ અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે ગુજરાતની ૧૦ નામાંકિત હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. વર્ષ ૨૦૨૪માં જે બાળકોના એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર ખરાબ થઈ ગયા હોય, તૂટી ગયા હોય કે ખોવાઈ ગયા હોય, તેવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા એક વાર તદ્દન વિનામૂલ્યે સ્પીચ પ્રોસેસર રિપ્લેસ કરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત અત્યાર સુધી ૪૦૧ બાળકોને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસ કરી આપવામાં આવ્યું છે. બજારમાં આ ડિવાઇસની અંદાજિત કિંમત રૂ. ૩.૫ લાખ જેટલી હોય છે, જે મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારો માટે પરવડે તેમ હોતી નથી. આ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા માટે તજજ્ઞ ઇ.એન.ટી. સર્જન, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ લેંગ્વેજ થેરાપીસ્ટ રાત-દિવસ સેવારત છે.

કોકલીયર ઈમ્પ્લાન્ટ ડિવાઇસના મુખ્ય બે ભાગ હોય છે, જેમાં ઇન્ટરનલ ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનો સમાવેશ થાય છે. આ પ્રોસેસર બહારના અવાજને અંદરના પ્રત્યારોપણ કરેલા ઇલેક્ટ્રોનિક ભાગ સુધી પહોંચાડે છે, જ્યાંથી ઇલેક્ટ્રિકલ સિગ્નલ અંદરના કાન (Cochlea) થી લઈને મગજના સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર એક ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી દૈનિક ઘસારો, ભેજ, બેટરીની ક્ષમતા ઘટવી, કેબલનું નુકસાન કે વાયરમાં શોર્ટિંગ થવાને કારણે બગડી જવાની સંભાવના રહે છે. સામાન્ય રીતે સ્પીચ પ્રોસેસરનું આયુષ્ય ૧૦ વર્ષ જેટલું હોય છે, જેથી સમય જતા તેને અપગ્રેડ કરવું પડે કે બદલવું પડે છે જેમાં રાજ્ય સરકારનો આ નવો રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ગરીબ પરિવારો માટે મોટો સહારો બન્યો છે.

(4:42 PM IST)