News of Saturday, 15th August 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોડી રાત્રે અમેરિકા જશે: ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ સાથે રહેશે
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના પ્રમોશન માટે પ્રવાસ શરૂ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ટોચના IAS અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે 17 થી 24 ઓગસ્ટ અમેરિકા અને કેનેડામાં રોડ-શો યોજી વૈશ્વિક રોકાણકારોને આમંત્રિત કરશે

ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ અને અત્યાધુનિક ટેકનોલોજીને આકર્ષવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આયોજિત પ્રવાસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉચ્ચ સ્તરીય સનદી અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે 16 ઓગસ્ટની વહેલી સવારે અમેરિકા અને કેનેડાના ઐતિહાસિક પ્રવાસે રવાના થઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના ભવ્ય આયોજન માટે અત્યારથી જ વૈશ્વિક સ્તરે આઉટરીચ મિશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બાદ સત્તાવાર જાહેરાત અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 16 ઓગસ્ટની વહેલી સવારે ત્રણ વાગ્યે અમેરિકા માટે ઉડાન ભરશે. આ વિદેશ પ્રવાસ 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને કેનેડાના વિવિધ ઔદ્યોગિક શહેરોમાં યોજાશે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વૈશ્વિક ઉદ્યોગગૃહો, ટેકનોલોજી લીડર્સ, સેમિકન્ડક્ટર ઉત્પાદકો, ફિનટેક દિગ્ગજો અને સ્થાનિક સરકારોના વડાઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને ગુજરાતમાં રોકાણની વિપુલ તકો રજૂ કરશે. અહેવાલો મુજબ, ગુજરાતના કોઈ વર્તમાન મુખ્યમંત્રીનો આ પ્રવાસ 2002 પછીનો પ્રથમ સત્તાવાર યુએસ પ્રવાસ બનવા જઈ રહ્યો છે.
મુખ્યમંત્રીના આ પ્રવાસને અત્યંત પરિણામલક્ષી બનાવવા માટે રાજ્યના ટોચના વરિષ્ઠ સનદી અધિકારીઓનું વિશેષ ડેલિગેશન તેમની સાથે જોડાઈ રહ્યું છે.
-
વરિષ્ઠ સચિવો: મુખ્ય સચિવ એમ. કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના અગ્ર સચિવ સંજીવ કુમાર.
-
સહયોગી અધિકારીઓ: અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મમતા વર્મા તેમજ રાજીવ કુમાર પણ પ્રવાસમાં સામેલ રહેશે.
-
રોડ-શો અને બિઝનેસ મીટિંગ્સ: અમેરિકા અને કેનેડાના મુખ્ય આર્થિક કેન્દ્રો પર મોટા રોડ-શો યોજાશે જેમાં ફોરચ્યુન 500 કંપનીઓના સીઈઓ સાથે સીધો સંવાદ કરાશે.
આ વહીવટી ટીમ વૈશ્વિક રોકાણકારોને ગુજરાતની સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને ગિફ્ટ સિટી (GIFT City) ની સવલતોથી વાકેફ કરશે.
રાજ્ય સરકારે આગામી વાઈબ્રન્ટ સમિટને ઐતિહાસિક સફળ બનાવવા માટે વિશ્વના અગ્રણી દેશોમાં વિશેષ મિશનો મોકલવાનો પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલ મુજબ, મુખ્યમંત્રીના યુએસ-કેનેડા પ્રવાસ બાદ સપ્ટેમ્બર મહિનામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં એક ડેલિગેશન જાપાન, સિંગાપોર અને યુરોપના જર્મની, ફ્રાન્સ તેમજ નેધરલેન્ડ્સ જેવા દેશોની મુલાકાત લેશે. આ વૈશ્વિક પ્રવાસોથી રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના સીધા વિદેશી રોકાણ (FDI) આવવાની અને સ્થાનિક સ્તરે હજારો નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
