News of Wednesday, 27th May 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મોટો ખેડૂતહિતલક્ષી નિર્ણય : ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવાની યોજના હેઠળ મળતી આર્થિક સહાયના દરોમાં કરાયો ધરખમ વધારો
તાર ફેન્સિંગ માટે હવે પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ના બદલે રૂ. ૩૦૦ ચૂકવાશે : નાના ખેડૂતો માટે બે હેક્ટરના ક્લસ્ટરની મર્યાદા ઘટાડી માત્ર એક હેક્ટર કરાઈ : આઈ-ખેડૂત પોર્ટલ પર આવેલી ૧ લાખ અરજીઓને ચોમાસા પૂર્વે મંજૂરી આપવા રૂ. ૨૪૦ કરોડનું ભંડોળ જાહેર - પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને રખડતાં પશુઓ અને વન્ય પ્રાણીઓ દ્વારા થતા વ્યાપક નુકસાનથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે તાર ફેન્સિંગ યોજનાના નિયમો અને આર્થિક સહાયના માળખામાં ખેડૂતોની તરફેણમાં મોટા સુધારા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઐતિહાસિક નિર્ણય અંગે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે બજારમાં લોખંડ સહિતના માલ-મટીરીયલ્સના ભાવો અને મજૂરી ખર્ચમાં મોટો વધારો થયો છે. જેના કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધતો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકારે સહાયના દરો વધાર્યા છે. અગાઉ આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ અથવા કુલ ખર્ચના ૫૦ ટકા, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય અપાતી હતી. ખેડૂતોની રજૂઆતો બાદ હવે સરકારે પ્રતિ રનિંગ મીટર સહાયનો દર વધારીને રૂ. ૩૦૦ અથવા ખરેખર થનારા ખર્ચના ૫૦ ટકા નક્કી કર્યો છે, જેથી ખેડૂતોનો વ્યક્તિગત ખર્ચ ખૂબ ઘટી જશે.
નાના ખેડૂતો માટે જમીનની મર્યાદા અડધી કરાઈ:
મંત્રી જીતુભાઈ વાઘાણીએ યોજનાના નિયમોમાં થયેલા બીજા મોટા સુધારા અંગે માહિતી આપતા કહ્યું કે, અગાઉ કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું સંયુક્ત ક્લસ્ટર (જૂથ) હોવું કાયદાકીય રીતે ફરજિયાત હતું. જોકે, ઘણીવાર જૂથના કોઈ એકાદ ખેડૂત અસહમત થાય તો બે હેક્ટરનું ક્લસ્ટર ન જળવાવાને કારણે નાના ખેડૂતો આ સરકારી સહાયથી વંચિત રહી જતા હતા. નાના અને સીમાંત ખેડૂતોના આ વ્યાપક હિતને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકારે ક્લસ્ટરની મર્યાદા બે હેક્ટરથી ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરી દીધી છે. હવે માત્ર એક હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ આ યોજનાનો સીધો લાભ મેળવી શકશે.
૧ લાખ અરજીઓને ચોમાસા પહેલા મંજૂરી, બજેટ ટૂંકું પડશે તો વધુ નાણાં અપાશે:
ખેડૂતો આગામી ચોમાસાની સીઝનમાં વાવણીના કામકાજમાં વ્યસ્ત થાય તે પહેલા જ આ યોજનાનો લાભ મળી જાય તે માટે વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે રાજ્યભરમાંથી અંદાજે એક લાખ જેટલા ખેડૂતોની ઓનલાઈન અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ તમામ પ્રિ-એપ્લિકેશનને ચોમાસું બેસે તે પૂર્વે જ તબક્કાવાર રીતે નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ ભગીરથ કાર્ય માટે રાજ્ય સરકારે પ્રાથમિક તબક્કે રૂ. ૨૪૦ કરોડના માતબર ભંડોળની ફાળવણી કરી દીધી છે.
સરકારે ખેડૂતોને ખાતરી આપતા સ્પષ્ટ કર્યું છે કે, અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે પોર્ટલ વર્ષમાં માત્ર એક જ વાર ટૂંકા સમય માટે ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના મહત્તમ ખેડૂતો પોતાના ખેતરને સુરક્ષિત કરી શકે તે હેતુથી જરૂર જણાશે તો બીજી વાર પણ ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. મંત્રીએ અંતમાં ઉમેર્યું કે, જો ખેડૂતોની અરજીઓ વધશે તો સરકારે ફાળવેલા રૂ. ૨૪૦ કરોડ ઉપરાંત પણ વધારાના બજેટ અને ભંડોળની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ કોઈ પણ પાત્રતા ધરાવતા ખેડૂતની અરજી નાણાંના અભાવે નામંજૂર કરવામાં આવશે નહીં.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
