<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય અધ્યક્ષતામાં યોજાશે

સમગ્ર ગુજરાતમાં ૧ કરોડથી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કલકત્તાથી દેશવાસીઓને સંબોધન કરી પ્રેરણાદાયી સંદેશ આપશે

ગાંધીનગર:આગામી ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આવેલી શેઠ એલ.એસ. સાયન્સ કોલેજ ખાતે પરંપરાગત રીતે યોજવામાં આવશે. આ ભવ્ય રાજ્યકક્ષાના આયોજનમાં ૪ હજારથી વધુ ઉત્સાહી નાગરિકો એકસાથે સામૂહિક યોગાભ્યાસમાં સહભાગી થઈને વિશ્વને તંદુરસ્તીનો સંદેશ આપશે. આ સાથે જ માણસા ખાતે ઉપસ્થિત તમામ યોગસાધકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાત્મક રાષ્ટ્રજોગ સંદેશાને પણ ઝીલશે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'योग ફોર હેલ્ધી એજિંગ' એટલે કે સ્વસ્થ આયુષ્ય માટે યોગની વિશિષ્ટ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ વૈશ્વિક પર્વના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતેથી આ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમમાં પ્રત્યક્ષ રીતે જોડાશે. કલકત્તાથી જ વડાપ્રધાન દેશ અને દુનિયાભરના નાગરિકોને યોગનું મહત્વ સમજાવતું એક પ્રેરણાદાયી સંબોધન પણ કરશે, જેનું રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત તમામ જાહેર સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે યોગ દિવસની ઉજવણીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક બનાવવાની વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ નિયત કરાયેલા સ્થળોએ કુલ મળીને અંદાજે એક કરોડથી પણ વધુ નાગરિકો એક જ સમયે સામૂહિક યોગાભ્યાસમાં ઉત્સાહભેર ભાગ લેશે. આ ભવ્ય આયોજન અંતર્ગત રાજ્યની તમામ ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાઓના તમામ તાલુકાઓ, તમામ નગરપાલિકાઓ તેમજ છેવાડાના ગ્રામ્ય સ્તરે પણ સ્થાનિક કક્ષાએ ભવ્ય સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમોનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ રાજ્યવ્યાપી મહોત્સવને સફળ બનાવવા માટે તમામ જિલ્લાઓમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ અગ્રણી સામાજિક સંસ્થાઓના પરસ્પર સંકલન સાથે વિવિધ સ્તરે વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પ્રોટોકોલ અનુસાર યોગ દિવસના આયોજનને આખરી ઓપ આપવા માટે અત્યારથી જ કાર્યરત છે, જેથી છેવાડાના નાગરિક સુધી યોગનો આ સંદેશ અસરકારક રીતે પહોંચાડી શકાય.

(6:34 PM IST)