News of Sunday, 19th July 2026
બાળકોના મનપસંદ 'પડીકા' બની રહ્યા છે સ્વાસ્થ્ય માટે ઝેર સમાન: લેબ ટેસ્ટમાં ચોંકાવનારા પરિણામો સામે આવતા વાલીઓમાં ફફડાટ
શાળાઓની આસપાસ વેચાતા 'છોટા ભીમ' અને 'ટારઝન' જેવા પેકેટમાં સોલ્ટ અને ફેટનું પ્રમાણ ખતરનાક હદે વધુ: બાળકોમાં નાની ઉંમરે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધ્યું

અમદાવાદ, તા.૧૮: આજના સમયમાં બાળકોમાં અત્યંત લોકપ્રિય અને શાળાઓની આસપાસ સરળતાથી મળતા રંગબેરંગી 'જંક ફૂડ'ના પેકેટ (પડીકા) હવે માસૂમોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહ્યા છે. અમદાવાદમાં થયેલા એક લેબ ટેસ્ટમાં આ પડીકાઓની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રતિષ્ઠિત CERC લેબોરેટરીમાં કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ પેકેટ્સમાં નિર્ધારિત મર્યાદા કરતા અનેકગણું વધારે સોલ્ટ (મીઠું) અને ફેટ જોવા મળ્યું છે, જે શરીર માટે સીધું ઝેર સમાન છે.
શું છે આ પડીકાઓ પાછળનો છુપાયેલો ખતરો?
‘છોટા ભીમ’, ‘ટારઝન’ અને ‘બબલુ’ જેવા આકર્ષક નામો અને રંગબેરંગી પેકેટ્સ બાળકોને પોતાની તરફ ખેંચે છે, પરંતુ આ પેકેટ્સની અંદર જે ખાદ્ય સામગ્રી છે તે સ્વાસ્થ્યના નિયમોનું ઉલ્લંઘન કરે છે. નિષ્ણાતોના મતે, આમાં વપરાતા હાનિકારક તત્વો બાળકોમાં નાની ઉંમરે જ બ્લડ પ્રેશર અને ભવિષ્યમાં હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓને નોતરે છે. જે ખાદ્ય પદાર્થો બાળકના વિકાસમાં મદદરૂપ થવા જોઈએ, તે જ આજે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
વાલીઓએ રહેવું પડશે અત્યંત સાવધાન
તબીબોએ આ બાબતે વાલીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ પોતાના બાળકોને શાળાઓની આસપાસ મળતી આવી સસ્તી અને આકર્ષક ખાધ્ય સામગ્રીથી દૂર રાખે. લેબ રિપોર્ટમાં સેમ્પલ નિષ્ફળ ગયા બાદ વહીવટીતંત્ર અને વાલીઓમાં ચિંતાનો માહોલ છે. જો બાળકમાં વારંવાર અશક્તિ કે અન્ય શારીરિક સમસ્યાઓ જોવા મળતી હોય, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ખિલવાડને રોકવા માટે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે, જેથી આ 'ઝેરી' પડીકાઓથી ભાવિ પેઢીને બચાવી શકાય.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
