News of Tuesday, 14th July 2026
સીઆઈડી વડા ડો. કે. એલ. એન. રાવના ‘નો ડ્રગ્સ ઇન ગુજરાત’ અભિયાન હેઠળ રેલ્વે એસઓજી અને આરપીએફનું જોઇન્ટ ઓપરેશન સફળ : પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસમાંથી ૨૨.૧૪૦ કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો
રેલવે એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ. પી. રવિયા અને ૧૨ ટીમો ત્રાટકી : બારડોલી સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના કોરિડોરમાંથી બિનવારસી હાલતમાં ₹૨,૧૧,૦૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના હેતુથી સીઆઈડી વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા શરૂ કરવામાં આવેલા 'નો ડ્રગ્સ ઇન ગુજરાત' અભિયાન અંતર્ગત રેલ્વે પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. રેલવે એસપી અભય સોનીના સીધા માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેલવે વડોદરા એસ.ઓ.જી. (SOG) અને આર.પી.એફ. (RPF) ક્રાઇમ સુરતની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરી બદલ રેલવે પોલીસ વિભાગની સરાહના થઈ રહી છે.
ટ્રેન નં. ૨૦૮૧૯માં સઘન ચેકિંગ દરમિયાન મળી આવી બિનવારસી બેગ:
પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૧૮:૫૫ કલાકે જ્યારે ટ્રેન નંબર ૨૦૮૧૯ પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસ બારડોલી રેલ્વે સ્ટેશન પસાર કર્યા પછી સુરત તરફ આવી રહી હતી ત્યારે આ ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એચ. પી. રવિયા અને અન્ય ૧૨ અધિકારીઓની ટીમોએ ટ્રેનમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન ગાર્ડ તરફના પાછળના બે જનરલ ડબ્બાના કોરિડોર વચ્ચેથી શંકાસ્પદ અને બિનવારસી હાલતમાં સામાન મળી આવ્યો હતો.
₹૨.૧૧ કરોડથી વધુની કિંમતનો ૨૨.૧૪૦ કિલોગ્રામ ગાંજો જપ્ત:
પોલીસ ટીમો દ્વારા આ ચોક્કસ સ્થાન પર તપાસ કરતા એક પોપટી કલરનો મીણિયા કોથળો મળી આવ્યો હતો, જે પ્રથમ શંકાસ્પદ પેકેટ હતું અને તેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ભરેલો હતો. આ ઉપરાંત, બાજુમાંથી એક બ્લ્યુ-ભૂરા કલરની ટ્રેકિંગ બેગ પણ મળી આવી હતી, જેમાંથી પણ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રેનમાંથી જપ્ત કરવામાં આવેલા આ ગાંજાનું કુલ વજન ૨૨.૧૪૦ કિલોગ્રામ થવા જાય છે. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત ₹૨,૧૧,૦૧,૦૦૦/- આંકવામાં આવી છે.
આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ડ્રગ્સની હેરાફેરી કરનારા અજાણ્યા શખ્સો કે આરોપીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે રેલ્વે પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમો દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ જથ્થો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS Act) હેઠળ નોંધવામાં આવ્યો છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
