News of Saturday, 20th June 2026
સી.આઈ.ડી. ક્રાઈમ DGP ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખાની મુલાકાત લઈ અતિ સંવેદનશીલ કેસોની ઝીણવટભરી સમીક્ષા બેઠક યોજી
ગુનેગારોને અદાલતમાં ઝડપી સજા અપાવવા સી.આઈ.ડી. ક્રાઈમ DGP ડૉ. કે.એલ.એન. રાવે તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત ડિજિટલ ફોરેન્સિક પુરાવા આધારિત પદ્ધતિથી કરવા અધિકારીઓને આપી કડક સૂચના

ગાંધીનગર:રાજ્યમાં આર્થિક છેતરપિંડી અને જટિલ નાણાકીય ગુનાખોરી ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સી.આઈ.ડી. (CID) ક્રાઈમ અને રેલવેઝના DGP ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગર ખાતે આવેલી સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ડૉ. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં હાલમાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના, કરોડોની છેતરપિંડીના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.
DGP ડૉ. કે.એલ.એન. રાવે શાખાના વિવિધ હાઈપ્રોફાઈલ કેસોની તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિ, કાયદાકીય રાહે એકત્રિત કરાયેલા પુરાવાઓનું સંકલન, શંકાસ્પદ અને જટિલ નાણાકીય વ્યવહારોના વિશ્લેષણ (બેંક એકાઉન્ટ ઓડિટ) તેમજ મુખ્ય આરોપીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ધરપકડ સહિતની કાયદાકીય કાર્યવાહીની સઘન સમીક્ષા કરી હતી. કેસોની સમગ્ર તપાસ પ્રક્રિયાને કાયદાકીય રીતે વધુ સુદ્રઢ, મજબૂત અને સચોટ બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે તેમણે બેઠકમાં હાજર તમામ તપાસ અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપતા જણાવ્યું હતું કે, આર્થિક ગુના આચરતા શાતિર ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થઈ શકે તે માટે તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત આધુનિક પદ્ધતિથી કરવી અનિવાર્ય છે. ડૉ. રાવે તમામ તપાસ અધિકારીઓને દરેક કેસની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા, પારદર્શિતા સાથે નિયત સમયમર્યાદામાં (ટાઈમ લિમિટ) પૂર્ણ કરવા તેમજ ગુનાની ગંભીરતાને અનુરૂપ જરૂરી તમામ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા માટે કડક તાકીદ કરી હતી.
આ ઉપરાંત, તેમણે આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા અસહાય પીડિતોને વહેલી તકે ન્યાય મળે અને તેમની ફસાયેલી રકમ પરત મળી શકે તે માટે વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા કલ્યાણકારી પ્રયાસો અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. વર્તમાન સમયમાં આર્થિક ગુનાઓના સતત બદલાતા સ્વરૂપ, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ માધ્યમોના વધતા જતા દુરુપયોગને ગંભીરતાથી લેતા ડૉ. રાવે તપાસ પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોના મહત્તમ ઉપયોગ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
છેલ્લે તેમણે ઉમેર્યું હતું કે, આર્થિક છેતરપિંડીના મોટા કેસોમાં ઝડપી અને સચોટ ઉકેલ મેળવવા માટે સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા વિવિધ રાષ્ટ્રીયકૃત તથા ખાનગી નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથેના આંતરિક સંકલનને વધુ અસરકારક, મજબૂત અને સક્રિય બનાવવામાં આવે, જેથી ગુનેગારોના બેંક ખાતાઓ ત્વરિત ફ્રીઝ કરીને નાણાં સગેવગે થતા અટકાવી શકાય. આ બેઠક બાદ સી.આઈ.ડી. ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખા આગામી દિવસોમાં મોટા કૌભાંડીઓ સામે વધુ આક્રમક બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
