News of Monday, 20th April 2026
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર કોઈપણ તત્વનો હિસાબ નાગરિકો વ્યાજ સાથે કરશે : જનતા જાકારો આપશે : હર્ષભાઈ સંઘવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ચલથાણ ખાતે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર તીવ્ર શાબ્દિક પ્રહાર કર્યા

સુરતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ચલથાણ ખાતે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર તીવ્ર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષની માનસિકતાનો સફાયો થવાનો સમય આવી ગયો છે અને ગુજરાત વિરોધી તત્વોને જનતા ફરી એકવાર જાકારો આપશે.
હર્ષ સંઘવીએ ખેડૂતો અને મહિલાઓની સુરક્ષા મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું કે ભાજપના શાસનમાં દીકરીઓ વધુ સુરક્ષિત છે, જ્યારે કોંગ્રેસના સમયમાં પરિસ્થિતિ અલગ હતી. તેમણે દાવો કર્યો કે સુરત જિલ્લામાં ચૂંટણી પહેલા જ 44 બેઠકો પર “કેસરીયો” લહેરાયો છે અને લોકો ભાજપના વિકાસકાર્યને સમર્થન આપી રહ્યા છે. સંઘવીએ વધુમાં કહ્યું કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર કોઈપણ તત્વનો હિસાબ રાજ્યના નાગરિકો વ્યાજ સાથે કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ નિશાન બનાવતાં તેમણે કહ્યું કે જનતા હવે સમજી ચૂકી છે અને સમયસર જવાબ આપશે. “અમે મુર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ” જેવા નિવેદન સાથે તેમણે ચૂંટણી પ્રચારમાં ગરમાવો ઉમેર્યો હતો.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
