<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

કોમર્શિયલ ગેસના બાટલાની અછત વચ્‍ચે રૂપિયા ૩,૧૪૦ નવો ભાવ

ગુજરાતમાં મોંઘવારીનો ડબલ ડોઝઃ અનેક રેસ્‍ટોરન્‍ટ્‍સને તાળા મારવાની નોબત : ઘરેલુ ગેસના ભાવ પણ વધી શકેઃ આગામી સમયમાં મોંઘવારી માર માટે જનતાએ તૈયાર રહેવું પડશે

 

અમદાવાદ,તા.૨: રાજ્‍યમાં વેપાર-ધંધા માટે અત્‍યંત કપરો સમય આવી ગયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ હોટલ અને રેસ્‍ટોરન્‍ટ સંચાલકોની હાલત કફોડી કરી દીધી છે. આજે એક જ દિવસમાં ૯૯૩નો ભાવવધારો ઝીંકાયો છે, જેની સાથે આ વર્ષે અત્‍યાર સુધીમાં સિલિન્‍ડર દીઠ કુલ ૧૫૦૦નો વધારો નોંધાયો છે.સુરતની સ્‍થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. અહીં કોમર્શિયલ ગેસનો બાટલો જે અગાઉ ૧૫૩૦માં મળતો હતો, તેનો ભાવ હવે ૩૧૪૦ સુધી પહોંચી ગયો છે. આヘર્યની વાત એ છે કે ૯૦૦થી વધુનો ભાવવધારો હોવા છતાં બજારમાં પૂરતા પ્રમાણમાં બોટલ મળી રહ્યા નથી. ગેસની આ તીવ્ર અછતને કારણે સુરતમાં કેટલાક રેસ્‍ટોરેન્‍ટ્‍સ અત્‍યારથી જ બંધ થઈ ગયા છે. અનેક વેપારીઓએ ગેસ પાઈપલાઈન માટે અરજીઓ કરી છે, પરંતુ તે પણ હજુ સુધી મળતી નથી. વેપારીઓનું કહેવું છે કે જો વધુ ભાવે પણ ગેસ મળે તો ધંધો ચાલી શકે, પણ અત્‍યારે તો ગેસના અભાવે ધંધા-રોજગાર ઠપ્‍પ થઈ ગયા છે .નાના રેસ્‍ટોરન્‍ટ ચાલકો હેરાન-પરેશાન છે. જેમની પાસે ગેસ લાઈન છે તેમને સમસ્‍યા ઓછી છે, પરંતુ સિલિન્‍ડર પર નિર્ભર વેપારીઓ માટે હવે ચા-નાસ્‍તો વેચવો પણ પોસાય તેમ નથી. જો આ સ્‍થિતિ જળવાઈ રહેશે તો આગામી દિવસોમાં મધ્‍યમ વર્ગ માટે બહારનું ખાવું સ્‍વપ્ન સમાન બની જશે. બીજી તરફ કોમર્શિયલ ગેસના ભાવ વધારાના લઈને કોંગ્રેસે નારાજગી વ્‍યક્‍ત કરી છે

 તેમનું કહેવું છે કે કોમર્શિયલ ગેસમાં ૯૯૩ રુપિયાનો ભાવ વધારો થયો છે. જાન્‍યુઆરી ૨૦૨૬થી સતત સાતમી વખત ભાવ વધારો ઝીંક્‍યો છે. હવે નવો ગેસ સિલિન્‍ડર ૩૧૦૦ સુધીનો થશે.

છેલ્‍લા ૫ મહિનામાં ૧૫૦૦ જેટલો વધારો થયો છે. આગામી સમયમાં મોંઘવારી માર માટે જનતા માટે તૈયાર રહેવું પડશે. વિપક્ષે એ પણ ચિતા વ્‍યક્‍ત કરી છે કે ઘરેલું ગેસમાં ભાવ વધારો થાય તો નવાઈ નહીં. ૨૦૧૪માં આપેલ અચ્‍છે દિનનો નારો નિષ્‍ફળ નીવડયો છે. ગરીબ લોકો હાલત ખરાબ થઈ છે. સરકાર ૧ વર્ષમાં દેશમાં એનર્જી ક્ષેત્રે કેટલું કામ કયું તે રજૂ કરે .કોમર્શિયલ ગેસના કારણે મોઘવારી આસમાને જશે. તેમાંય પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થશે તો પણ નવાઈ નહીં.

(1:47 PM IST)