News of Sunday, 21st June 2026
ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ: ખાનગી યુનિવર્સિટીઓની આસમાની ફી સામે કોંગ્રેસનો મોરચો
સામાન્ય કોર્સની ફી મેડિકલ કરતા પણ મોંઘી: રિટા. જજની દેખરેખ હેઠળ ફી નિયમન સમિતિની ઉગ્ર માંગ

અમદાવાદ : ગુજરાતમાં વધતા જતા શિક્ષણના ખાનગીકરણ અને ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસમોટી ફી સામે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે, રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં 'વન મિલિયન ફી ક્લબ' બનાવવાની સ્પર્ધામાં લાગી છે, જ્યાં સામાન્ય બી.એ., બી.કોમ જેવા કોર્સની ફી મેડિકલ કે ટેકનિકલ શિક્ષણ કરતાં પણ વધી ગઈ છે.
કોંગ્રેસે આપેલી વિગતો મુજબ, કેટલીક ખાનગી યુનિવર્સિટીઓમાં ચાર વર્ષના ગાળા માટે રૂ. ૨૪ લાખ સુધીની ફી ઉઘરાવવામાં આવી રહી છે, જેની સરખામણીએ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં આ ફી માત્ર થોડા હજાર રૂપિયામાં જ સમેટાઈ જાય છે. ડૉ. કઠવાડિયાએ અમદાવાદ, નિરમા, કર્ણાવતી, મારવાડી અને પી.ડી.ઈ.યુ. જેવી યુનિવર્સિટીઓના ઉદાહરણ આપી જણાવ્યું કે ભાજપ સરકારના આશીર્વાદથી શિક્ષણ માફિયાઓ મનસ્વી રીતે ફી વસૂલી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું દુષ્કર બની ગયું છે.
આ મામલે ત્વરિત પગલાંની માંગ કરતા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે શિક્ષણનું વેપારીકરણ બંધ થાય અને રીટાયર્ડ જજની દેખરેખ હેઠળ તાત્કાલિક ફી નિયમન સમિતિની રચના કરવામાં આવે. કોંગ્રેસે વધુમાં માંગ કરી છે કે દરેક ખાનગી યુનિવર્સિટીએ તેમના વિવિધ કોર્સની ફીની વિગતો પારદર્શિતા માટે ફરજિયાતપણે તેમની અધિકૃત વેબસાઇટ પર મૂકવી જોઈએ. આક્ષેપ છે કે મોટા ઉદ્યોગપતિઓના હિતો સાચવવા માટે સરકાર શિક્ષણ માફિયાઓ સામે મૂકપ્રેક્ષક બનીને બેઠી છે.
ભૂતકાળમાં કોંગ્રેસ શાસિત સરકારોમાં સરકારી કોલેજોનું માળખું મજબૂત હતું અને ફીનું ધોરણ અત્યંત સામાન્ય રાખવામાં આવ્યું હતું, જેની સરખામણીએ હાલની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. જો સરકાર આ મામલે યોગ્ય નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ સાથે મળીને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે. શિક્ષણ જેવો પાયાનો અધિકાર હવે વ્યાપાર બની ગયો હોય, ત્યારે ફીના આ આસમાની દર પર અંકુશ લાવવો તે સરકારની બંધારણીય અને નૈતિક ફરજ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
