તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
SIR જેવી પારદર્શક પ્રક્રિયાનો વિરોધ કરીને કોંગ્રેસ ઘૂસણખોરો અને ગેરરીતિપૂર્ણ મતદાર નોંધણીને રક્ષણ આપવા માંગે છે: અજય મહાવરજી
ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ અંતર્ગત ભાવનગર અને ગોધરા ખાતે વિશાળ પદયાત્રા: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમની ટીમ એક જ જૂઠાણું વારંવાર બોલીને તેને સત્ય સાબિત કરવાનો કુપ્રયાસ કરી રહી છે

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ અંતર્ગત આજે ભાવનગર અને ગોધરા ખાતે વિશાળ પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે આયોજિત પદયાત્રામાં પ્રદેશ ભાજપા સહપ્રભારી અજય મહાવરજીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમની ટીમ એક જ જૂઠાણું વારંવાર બોલીને તેને સત્ય સાબિત કરવાનો કુપ્રયાસ કરી રહી છે. વોટ ચોરી અને દેશ બચાવવાના નામે કોંગ્રેસ જનતામાં ભ્રમ ફેલાવી રહી છે. SIR જેવી પારદર્શક પ્રક્રિયાનો વિરોધ કરીને કોંગ્રેસ ઘૂસણખોરો અને ગેરરીતિપૂર્ણ મતદાર નોંધણીને રક્ષણ આપવા માંગે છે.
મહાવરજીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની જનતા સમજદાર અને લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસે પોતાના શાસનકાળમાં દેશમાં કટોકટી લાદીને લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. અનુચ્છેદ ૩૫૬નો ઉપયોગ કરીને ૧૦૦થી વધુ વખત રાજ્ય સરકારોને બરખાસ્ત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૬ સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોઈ રાજ્ય સરકારને અનુચ્છેદ ૩૫૬ હેઠળ બરખાસ્ત કરવામાં આવી નથી. વિદેશી ટૂલકીટના માધ્યમથી ભારત વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો સામે દેશની જનતા સજાગ છે.
તેમણે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના વિચારોને યાદ કરતાં જણાવ્યું હતું કે, અટલજીએ કહ્યું હતું કે સરકારો આવશે અને જશે, સત્તા આવશે અને જશે, નેતાઓ આવશે અને જશે, પરંતુ દેશનું સંવિધાન અને લોકતંત્ર હંમેશાં જીવંત રહેવું જોઈએ. આ જ લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા અને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિ ખુલ્લી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હાથ ધર્યું છે.
ભાવનગર ખાતે આયોજીત પદયાત્રામાં પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, સહ સંગઠન મહામંત્રી અરૂણ બન્નાડીજી, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મંત્રીઓ જીતુભાઇ વાઘાણી,કુવરજીભાઇ બાવળિયા,કૌશિકભાઇ વેકરિયા, અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ જગદીશભાઇ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, પદાધિકારીઓ, અગ્રણીઓ, ધારાસભ્યઓ, મેયર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિત જિલ્લા અને પ્રદેશના વિવિધ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા ખાતે આયોજિત પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી રીવાબા જાડેજા, જિલ્લા ભાજપના અઘ્યક્ષ મયંકભાઇ દેસાઇ, સાંસદ રાજપાલસિંહ જાધવ, સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર અને ગોધરા ખાતે યોજાયેલી આ પદયાત્રાઓમાં ભાજપાએ કોંગ્રેસ દ્વારા SIR અંગે ભ્રામક પ્રચાર કરી જનતામાં ગેરસમજ ફેલાવવાના તેમજ રાજકીય સ્વાર્થ માટે અરાજકતાનું વાતાવરણ ઊભું કરી લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાના કરાઇ રહેલા દુષ્પ્રયાસો સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. પદયાત્રા દરમિયાન કાર્યકર્તાઓએ લોકશાહી અને બંધારણીય સંસ્થાઓની ગરિમા જાળવવાનો તથા SIR સંદર્ભે જનતાને સત્યથી માહિતગાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પદયાત્રાઓના માધ્યમથી ભાજપાએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કોંગ્રેસના ભ્રામક પ્રચાર અને લોકશાહી પ્રક્રિયાઓ સામે અવિશ્વાસ ઊભો કરવાના કુપ્રયાસોને સાંખી લેવામાં આવશે નહીં. SIR એ મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને વિશ્વસનીય બનાવવાની બંધારણીય પ્રક્રિયા છે ત્યારે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં રહે તે માટે તે આવશ્યક છે. આ અભિયાન અંતર્ગત ભાજપાના કાર્યકર્તાઓ જનતાની વચ્ચે જઈ કોંગ્રેસના અપપ્રચારનો જવાબ આપશે અને લોકશાહી મૂલ્યો, બંધારણીય વ્યવસ્થાની મજબૂતી તથા નાગરિકોના મતાધિકારના રક્ષણ માટે લોકજાગૃતિનું કાર્ય સતત આગળ ધપાવશે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
