<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઘરની ભોજનની થાળીનો ખર્ચ સપ્ટેમ્બરમાં ૧૦ટકા વધ્યો

ડુંગળી, ખાદ્યતેલ, ચોખા, પાઇપ ગેસના ભાવ વધારાની અસરઃ ૧ થાળીનો ખર્ચ પહોંચ્યો રૃ.૩૦-૮૦ : સામાન્ય પરિવારના બજેટ ઉપર ભારે અસર પડી રહી છે, ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો

વડોદરા,તા.૨૭: મોંઘવારી કુદકેને ભૂસકે વધી રહી છે તેની સીધી અસર ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોની ભોજનની થાળી માટે થતાં ખર્ચ ઉપર જોવા મળી રહી છે. ગૃહિણીઓના બજેટ પણ આ સ્થિતમાં ખોરવાઇ જવા પામ્યા છે. ખાસ કરીને શાકભાજી, ખાદ્યતેલ, કઠોળ, ખાંડ, રાંધણગેસની કિમત સહિતની આવશ્યક ચીજના વધેલા ભાવના પગલે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં તૈયાર થતી ભોજનની થાળીની તુલનાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં તૈયાર થતી ભોજનની થાળીનો ખર્ચ ૧૦ ટકા વધી જવા પામ્યો હતો.

દેશની અગ્રણી સંસ્થા કિસીલના માસિક અહેવાલ રોટી,રાઇસ રેટ રિપોર્ટમાં પણ આ બાબત જણાવવામાં આવી છે. શાકાહારી ભોજનની થાળી તૈયાર કરવામાં થતો ખર્ચ ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં રૃા.૨૮.૧૦ હતો. જે આ વર્ષે ૧૦ ટકા વધીને રૃા.૩૦.૮૦ થઇ જવા પામ્યો છે. જયારે નોન વેજ થાળી તૈયાર કરવામાં થતો ખર્ચ ગત સપ્ટેમ્બર માસમાં રૃા.૫૬ હતો જે આ વર્ષે સપ્ટેમ્બર માસમાં વધીને રૃા.૫૯.૫ થયો છે. બીજી તરફ માસિક ધોરણે ખર્ચ જોવા જતાં વેજ થાળીનો ખર્ચ ૪ ટકા અને નોન વેજ થાળીનો ખર્ચ ૩ ટકા અગાઉની માસની તુલના વધી જવા પામ્યો છે. ડુંગળીની કિમત ગત સપ્ટેમ્બરમાં એક કિલોના રૃા.૨૮ હતા જે આ વર્ષે રૃા.૫૩ હતા જે આ વર્ષે ૮૯ ટકા વધારો દર્શાવે છે. રવિપાકમાં ડુંગળીના ઉત્પાદનમાં ૫-૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. આગામી સમયમાં પણ ડુંગળીનો પુરવઠો ઘટી શકે તેમ છે. જૂન માસમાં ૪૦ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. જેના પગલે ખરીફ વાવેતર પણ મોડું થયું હતું.

આગામી સમયમાં તહેવારો દરમિયાન પણ માગમાં વધારો થશે. આ માસના અંતે ખરીફ પાક બજારમાં આવવાનું શરૃ થશે તે દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના ભાવમાં આંશિક ઘટાડો આવી શકે તેવી શકયતા પણ છે.

ઉલ્લેખનીય છેકે, સરકારે બેઝિક કસ્ટમ ડડ્યૂટીમાં ઘટાડો કર્યો હોવા છતાં પામોલીન સહિતના વનસ્પતિ તેલોના ભાવમાં ગત વર્ષની તુલનાએ ૧૨ ટકાનો વધારો થયો હતો. અલ નીનો ઉપરાંત વૈશ્વિક ભૂરાજાકિય અનિશ્ચિતતા ભરી સ્થિતિના કારણે પણ ભાવ વધારો થયો હતો. વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાતા એલપીજીના ભાવ પણ ૧૦ ટકા વધ્યા હતા.ડાંગરના ઉત્પાદનમાં ઘટાડો થતાં ચોખાના ભાવમાં ૫ થી ૬ ટકાની સામે ૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો. કઠોળ તથા વિવિધ જાતની દાળના ભાવમાં પણ ૮ થી ૧૦ ટકા વધારો થયો છે. જયારે ખાંડ અને ગોળના ભાવ પણ એક કિલોએ રૃા.૫ થી રૃા.૧૨ જેટલા વધી જવા પામ્યા હતા.

માસિક ધોરણે જોવા જતાં વેજીટેરીયન થાળીનો ખર્ચ વધવા પાછળનું મુખ્ય કારણ ડુંગળીના ભાવમાં ૩૪ ટકાનો વધારો છે. આગામી સમયમાં પણ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.આદુના ભાવમાં ૬૩ ટકા, લસણ ૫૫ ટકા, લીંબુ ૩૫ થી ૭૫ ટકા, ઘઉં ૩૦ ટકા મુખ્ય બાબત રહી છે. રિટેલ ભાવ વધારો પણ મહત્વનો રહ્યો છે. ૫.૫ ટકા વધારો થયો છે

ટામેટાં અને બટાકાના ભાવમાં સિમાંત ઘટાડો

ટામેટા અને બટાકાના ભાવમાં સિમાત ઘટાડો જોવા મળ્યો છે. બટાકાના ભાવમાં ગત વર્ષના આ સમયગાળા કરતાં હાલમાં ૧૧.૫ ટકાનો ઘટાડો અને ટામેટાના ભાવમાં ૮.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે આ બંને ચીજના ભાવ વધુ રહ્યા હતા.બટાકાનો ભાવ હાલમાં એક કિલોના રૃા.૩૦ થી રૃા.૪૦ જ્યારે ટામેટાંનો ભાવ એક કિલોના રૃા.૨૫ થી રૃા.૪૦ જોવા મળી રહ્યો છે.

આગામી મહિનાઓમાં પણ મોંઘવારી વધશે

આગામી મહિનાઓમા પણ ખાદ્ય પદાર્થોની ચીજોના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તાજેતરમાં જ સીએનજીના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત હાલમાં કડુ એક બેરલના ૧૨૦ ડોલર થયું છે ત્યારે ઇંધણ સહિતના પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારો કરવાની સરકારને ફરજ પડી શકે છે આ સંજોગોમાં મોંઘવારીનો ગ્રાફ ઉંચોને ઉંચો જ જશે.

ભોજન માટેના મસાલા પણ મોંઘા બન્યા

ભોજન તૈયાર કરવા માટે વપરાતા મરી મસાલાની કિમત પણ વધી જવા પામી છે. હળદર જે માર્ચ માસમાં રૃા.૧૬૦ થી રૃા.૧૮૦ની એક કિલો હતી તે હવે રૃા.૨૬૦ થી રૃા.૩૨૦, મરચું રૃા.૩૦૦ થી રૃા.૪૦૦ના હવે રૃા.૫૦૦ થી રૃા.૬૦૦,જીરૃ એક કિલોના રૃા.૨૫૦ થી વધીને રૃા.૩૨૦, અજમો રૃ।.૧૮૦-રૃા.૨૦૦થી વધીને રૃા.૨૭૦ થી રૃા.૨૯૦ ઉપરાત થઇ જવા પામ્યા છે.

(10:17 AM IST)