News of Saturday, 7th November 2026
ગુજરાતી સિનેમાના અસ્તિત્વ અને સ્ક્રીન ફાળવણી માટે 'ડમરુ' ફિલ્મની ટીમનો ઉગ્ર વિરોધ: રામાયણ સામે નહીં પરંતુ હકોની લડાઈ
મોટી બજેટની ફિલ્મોના દબાણ સામે પ્રાદેશિક ફિલ્મોને પૂરતા શો ફાળવવાની માંગ, સંજય ગોરડિયા અને હિતુ કનોડિયા સહિતના કલાકારોએ ઉઠાવ્યો અવાજ

અમદાવાદ : ગુજરાતી ફિલ્મો પ્રત્યે દર્શકોનો રસ સતત વધી રહ્યો હોવા છતાં મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં સ્ક્રીન ફાળવણીના પ્રશ્ને ફરી એકવાર ગંભીર વિવાદ સર્જાયો છે, જ્યાં તાજેતરમાં રિલીઝ થયેલી સફળ ગુજરાતી ફિલ્મ 'ડમરુ'ની સમગ્ર ટીમે મોટી બજેટની હિન્દી ફિલ્મોના દબાણ સામે પ્રાદેશિક સિનેમાના હકો માટે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના તહેવારો અને મોટી ફિલ્મોની રિલીઝ ટાણે દર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો હોવા છતાં 'ડમરુ' ફિલ્મના શોઝ અચાનક ઘટાડી દેવામાં આવતા નિર્દેશક હાર્દિક પરીખ અને કલાકારોએ રાજ્ય સરકાર, સિનેમાના માલિકો તથા ડિસ્ટ્રિબ્યુટર્સ સમક્ષ દરેક થિયેટરમાં ઓછામાં ઓછા એક-બે શો ફાળવવાની પ્રબળ માંગ કરી છે.
ફિલ્મના દિગ્ગજ અભિનેતા સંજય ગોરડિયા અને હિતુ કનોડિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મલ્ટિપ્લેક્સ પર નેશનલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા મસલ પાવરનો ઉપયોગ કરીને તમામ શો એક જ મોટી ફિલ્મને ફાળવી દેવાની નીતિ અન્યાયી છે, જેનાથી કરોડડો રૂપિયા ખર્ચીને ફિલ્મો બનાવતા પ્રાદેશિક નિર્માતાઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
અભિનેતા મકરંદ શુક્લા, નક્ષરાજ અને મૌલિક ચૌહાણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો વિરોધ રામાયણ જેવી ગૌરવવંતી ફિલ્મ સામે જરાય નથી, પરંતુ ઉત્સવના માહોલમાં જેમ આકાશમાં અનેક પતંગો સાથે ઉડે ત્યારે જ અસલી ઉત્તરાયણ બને છે, તેમ પ્રાદેશિક સિનેમાને પણ થિયેટરોમાં ટકી રહેવા માટે યોગ્ય સ્થાન મળવું અનિવાર્ય છે.
ફિલ્મની ટીમે આક્ષેપ કર્યો છે કે ડિસ્ટ્રિબ્યુટર કંપનીઓના દબાણને કારણે થિયેટર માલિકો ઈચ્છવા છતાં ગુજરાતી ફિલ્મોને પૂરતા શો આપી શકતા નથી, જેનાથી માત્ર નિર્માતાઓ જ નહીં પરંતુ કલાકારો, ટેક્નિશિયનો અને કેમેરામેન સહિત અનેક શ્રમિકોની રોજગારી પર પણ ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.
આ પ્રકરણ અંગે આગામી સમયમાં એક્ઝિબ્યુટર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સ પરસ્પર બેસીને કોઈ સંતોષકારક રસ્તો કાઢે અથવા પ્રાદેશિક ફિલ્મોના સંરક્ષણ માટે નીતિગત પગલાં લેવાય તેવી પ્રબળ અપેક્ષા ફિલ્મ ઉદ્યોગ દ્વારા સેવવામાં આવી રહી છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
