News of Friday, 26th June 2026
અમદાવાદમાં ગે ડેટિંગ એપના નામે ચાલતા ખતરનાક લૂંટ અને બ્લેકમેલિંગ રેકેટનો પર્દાફાશ :પોલીસની ત્વરિત કાર્યવાહી અને હિસ્ટ્રીશીટરોની ધરપકડ
આરોપીઓ ડેટિંગ એપ મારફતે લોકોને ફસાવીને મળવા બોલાવતા અને ત્યારબાદ ધમકી, બ્લેકમેલ તથા લૂંટ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા:પોલીસની કાર્યવાહી બાદ સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો .

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતો અને ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક "Gay Dating & Chat App" નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યો હતો. આ એપ પર પાર્ટનર શોધવાની પ્રક્રિયા દરમિયાન તેના સંપર્કમાં એક પ્રોફાઇલ આવી, જેનું યુઝર આઈડી "jeson!!23" હતું. બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું. ધીમે ધીમે વાતો વધી અને ઓનલાઈન મિત્રતા એટલી હદે આગળ વધી કે બંનેએ રૂબરૂ મળવાનું નક્કી કર્યું. યુવકને સહેજ પણ અંદાજ નહોતો કે સ્ક્રીનની પેલે પાર કોઈ મિત્ર નહીં, પરંતુ ખતરનાક લૂંટારાઓ બેઠા છે.
ઓનલાઈન થયેલા પ્લાનિંગ મુજબ, "jeson!!23" આઈડી ચલાવતા શખ્સે યુવકને રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે નારોલ વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે મળવા બોલાવ્યો. યુવક પોતાની એક્ટિવા લઈને ઉત્સાહભેર ત્યાં પહોંચ્યો. પરંતુ ત્યાં પહોંચતા જ સ્થિતિ બદલાઈ ગઈ. અચાનક 2 અજાણ્યા શખ્સો આવ્યા અને બળજબરીથી યુવકની એક્ટિવા પર બેસી ગયા. આરોપીઓ તેને નારોલના કર્ણાવતી-06 ફ્લેટની સામે આવેલા કેનાલ રોડ પાસેની એક અવાવરું અને અંધારી જગ્યાએ લઈ ગયા. ત્યાં પહોંચતાની સાથે જ આરોપીઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો. એક આરોપીએ પોતાના પેન્ટનો પટ્ટો કાઢીને યુવકને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું. યુવક કંઈ સમજે તે પહેલાં જ તેને ડરાવી-ધમકાવીને તેના હાથમાં રહેલી આશરે 3 ગ્રામ વજનની સોનાની વીંટી કાઢી લીધી. બીજા આરોપીએ યુવકને લાફા મારીને રોકડ રકમની માંગણી કરી.
યુવક પાસે તે સમયે રોકડા રૂપિયા નહોતા અને આરોપીઓ વધુ મારઝૂડ કરી રહ્યા હતા. ડરના માર્યા ફફડી ઉઠેલા યુવક પાસે પૈસા આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેણે પોતાના એક મિત્રને ફોન કર્યો અને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂ. 5,000 મંગાવ્યા. આરોપીઓએ આ પૈસા પોતાના ખાતામાં ન લેતા, નજીકની એક કરિયાણાની દુકાને જઈને ત્યાં લાગેલા QR કોડ સ્કેનરનો ઉપયોગ કર્યો અને દુકાનદાર પાસેથી રોકડા રૂપિયા મેળવી લીધા. લૂંટ અને મારઝૂડ કર્યા બાદ તેઓ યુવકને તે જ અવાવરું હાલતમાં છોડીને ત્યાંથી ફરાર થઈ ગયા.
આ પ્રકારના ગુનાઓમાં આરોપીઓ મોટાભાગે એક ખાસ સાયકોલોજી (માનસિકતા) પર રમે છે. ખાસ કરીને LGBTQ+ સમુદાય માટે વપરાતી એપ્સમાં જ્યારે કોઈને ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યારે ગુનેગારો જાણે છે કે ભોગ બનનાર વ્યક્તિ સમાજની બીક, લોકલાજ અને પોતાની ઓળખ છતી થઈ જવાના ડરથી પોલીસ પાસે જવાનું ટાળશે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું. શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલા યુવકે ડર અને લોકલાજને કારણે પૂરો એક મહિનો મૌન સેવ્યું અને કોઈ ફરિયાદ ન કરી. પરંતુ, તેના મિત્રએ તેને સતત હિંમત આપી અને સમજાવ્યો. આખરે હિંમત ભેગી કરીને પીડિત યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદ મળતાની સાથે જ નારોલ પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને દબોચી લીધા. પકડાયેલા બંને શખ્સો (જય ઉર્ફે જેક ચાવડા, રોહિત ઉર્ફે રિસ્કી યાદવ) સામાન્ય લૂંટારા નહોતા, પરંતુ રીઢા ગુનેગારો (હિસ્ટ્રીશીટર્સ) નીકળ્યા. જય ઉર્ફે જેક ચાવડા સામે અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા (Murder) જેવો ગંભીર અને સંગીન ગુનો નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ રોહિત ઉર્ફે રિસ્કી યાદવ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનાઓ દાખલ થયેલા છે
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
