News of Sunday, 15th November 2026
આસામ અને વિસાવદરની માર્ગ દુર્ઘટનાના મૃતકોને પૂ. મોરારિબાપુની શ્રદ્ધાંજલિ : પરિવારજનોને કુલ ૪.૩૦ લાખની હનુમંત સંવેદના રાશિ અર્પણ
કાઝીરંગા અકસ્માતના ૨૬ મૃતકોના પરિવારો માટે ૪ લાખ અને કુબા રાવણી ગામના બે યુવાનોના પરિવારને ૩૦ હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ

તલગાજરડા: આસામના કાઝીરંગા ખાતે તેમજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં બનેલી ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતો પ્રત્યે પૂજ્ય મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ સાથે જ બાપુ દ્વારા તમામ મૃતકોના શોકસંતપ્ત પરિવારજનોને આર્થિક સાંત્વના રૂપે કુલ ૪,૩૦,૦૦૦ રૂપિયાની 'હનુમંત સંવેદના રાશિ' અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કાઝીરંગા દુર્ઘટનાના મૃતકો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ૪ લાખની સહાય:
પ્રાપ્ત વિગતો અનુસાર, આસામના કાઝીરંગા ખાતે મુસાફરોથી ભરેલું એક પ્રવાસી વાહન કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ૨૬ લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જેમાં ૧૪ બહેનો અને યુવાનોનો સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા પૂ. મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રૂપિયા ૪ લાખની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ સહાયની રકમ મુંબઈ સ્થિત એક રામકથા શ્રોતા દ્વારા આસામ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.
વિસાવદરના કુબા રાવણી ગામના બે યુવાનોના પરિવારને ૩૦ હજારની મદદ:
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામના બે આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થતા પૂ. બાપુએ તેમના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના દર્શાવી છે. બંને મૃતક યુવાનોના પરિવારોને રૂપિયા ૩૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારિબાપુએ તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને શોકગ્રસ્ત પરિવારજનોને હૃદયપૂર્વક દિલસોજી પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
