News of Friday, 17th April 2026
રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન અરજી કરવાની મુદત લંબાવાઈ :હજારો પરિવારોને ફાયદો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭ એપ્રિલ નક્કી હતી જેને હવે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી: ડોક્યુમેન્ટ્સ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને સરકારે આ 6 દિવસનો વધારાનો સમય આપ્યો

ગાંધીનગર :રાજ્યના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, RTE હેઠળ અરજી કરવાનો સમયગાળો લંબાવાયો છે, જેનાથી હજારો પરિવારોને સીધો ફાયદો થશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% અનામત બેઠકો પર પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭ એપ્રિલ નક્કી કરવામાં આવી હતી, જેને હવે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી છે.
આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અનેક વાલીઓ જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં વિલંબ અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ ભરી શક્યા નહોતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડોક્યુમેન્ટ્સ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને સરકારે આ 6 દિવસનો વધારાનો સમય આપ્યો છે. વાલીઓ હવે 23 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યા સુધી સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઇન ફોર્મ સબમિટ કરી શકશે.
શિક્ષણ વિભાગના આ આદેશ બાદ હવે વંચિત અને નબળા વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક વધુ સુલભ બનશે. જે વાલીઓએ હજુ સુધી અરજી નથી કરી, તેઓએ આ વધારાના સમયનો ઉપયોગ કરી તમામ પુરાવાઓ સાથે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે રાજ્યના હજારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોમાં આનંદની લહેર જોવા મળી રહી છે
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
